લગભગ સાત વર્ષ પછી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના સંબંધોમાં મોટો વળાંક આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ફરીથી પોતાનું દૂતાવાસ ખોલવાની તૈયારી કરી રહ્યું છે. US રાજદૂત લૌરા ડોગુ કારાકાસ પહોંચ્યા છે અને દૂતાવાસ શરૂ કરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દૂતાવાસ 2019થી બંધ હતું.

 નિકોલસ માદુરોની ધરપકડ

આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે લગભગ એક મહિના પહેલા વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાની લશ્કરી કાર્યવાહી બાદ માદુરોને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા અને હાલ તેઓ US કસ્ટડીમાં છે. આ ઘટનાથી વેનેઝુએલાની રાજકીય પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો છે.

 2019માં અમેરિકા અને વેનેઝુએલા

ફેબ્રુઆરી 2019માં અમેરિકા અને વેનેઝુએલાએ એકબીજા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા. તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિપક્ષી નેતા જુઆન ગુએડોને વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી હતી. તેના વિરોધમાં માદુરો સરકારે US સાથેના સંબંધો સમાપ્ત કર્યા હતા અને બંને દેશોના દૂતાવાસ બંધ કરી દેવામાં આવ્યા હતા.

મુલાકાત રાજદ્વારી સંવાદનો એક ભાગ

હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વેનેઝુએલાના વિદેશ પ્રધાન ઇવાન ગિલે જણાવ્યું છે કે લૌરા ડોગુની મુલાકાત રાજદ્વારી સંવાદનો એક ભાગ છે. તેમણે કહ્યું કે બંને દેશો પરસ્પર આદર અને આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે મતભેદો ઉકેલવા માટે વાતચીત કરશે.

USમાં થતી વ્યવહાર પર નજર

વેનેઝુએલાના ગૃહ પ્રધાન ડિઓસડાડો કાબેલોએ જણાવ્યું છે કે US દૂતાવાસ ખૂલવાથી માદુરો સાથે USમાં થતી વ્યવહાર પર નજર રાખવી સરળ બનશે. માદુરો હાલમાં અમેરિકામાં કેદ છે અને આ મુદ્દો વેનેઝુએલાની સરકાર માટે મહત્વનો છે. US રાજદૂત લૌરા ડોગુ એક અનુભવી રાજદ્વારી છે. તેઓ અગાઉ હોન્ડુરાસ અને નિકારાગુઆમાં યુએસ એમ્બેસેડર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ US જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેનના વિદેશ નીતિ સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે.

રાજકીય કેદીઓને મુક્ત

આ સાથે જ વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાજકીય કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય વિપક્ષની લાંબા સમયથી ચાલી આવતી માંગ હતી અને તેને રાજકીય સમાધાન તરફનું પગલું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ, અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA પણ વેનેઝુએલામાં પોતાની હાજરી મજબૂત કરવાની તૈયારીમાં છે. માદુરોની ધરપકડ બાદ અમેરિકાનો પ્રભાવ વધ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા હવે વેનેઝુએલાના તેલ ઉત્પાદન અને સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવશે.

https://twitter.com/usembassyve/status/2017687272443813910

તેલ ક્ષેત્રના નિયમોમાં ફેરફાર

વેનેઝુએલાની સરકારે તેલ ક્ષેત્રના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી છે, જેના કારણે અમેરિકન કંપનીઓ માટે ત્યાં રોકાણ કરવું અને હિસ્સો ખરીદવું સરળ બનશે. આ બદલાવોથી વેનેઝુએલાની અર્થવ્યવસ્થામાં નવી દિશા આવવાની શક્યતા છે. કુલ મળીને, યુએસ દૂતાવાસનું ફરી ખુલવું બંને દેશો માટે રાજકીય અને આર્થિક રીતે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Pakistan News : 31 જાન્યુઆરી, બલુચિસ્તાનમાં હુમલામાં 130થી વધુ સૈનિકોના મોત