FBIની કમ્પ્યુટર સિસ્ટમ્સ ફરી એકવાર સાયબર હુમલાનો ભોગ બની છે. આ વખતે હેકર્સે દેશભરના ગુના સંબંધિત રેકોર્ડ્સ ધરાવતા ડેટાબેઝને નિશાન બનાવ્યો છે. થોડા જ મહિનાઓમાં FBIની સિસ્ટમ્સ પર થયેલો આ બીજો મોટો સાયબર હુમલો છે.

FBI પર સાયબર અટેક 

એક અહેવાલ મુજબ, FBI હાલમાં આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. તપાસ સાથે સંકળાયેલા બે વ્યક્તિઓએ આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, ચોક્કસ કઈ માહિતી ચોરાઈ છે અથવા હેકર્સે કેટલા ડેટા સુધી પહોંચ મેળવી છે, તે હજુ સ્પષ્ટ નથી. જે ડેટાબેઝ સાથે ચેડાં થયાં છે તેને 'નેશનલ ક્રાઈમ ઈન્ફોર્મેશન સેન્ટર' (NCIC) તરીકે ઓળખવામાં આવે છે. તે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેડરલ, રાજ્ય અને સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓને જોડે છે, જેનાથી તેઓ ગુના સંબંધિત માહિતી મેળવી શકે છે અને એકબીજા સાથે શેર કરી શકે છે.

ડેટા બેઝમાં કેવી માહિતી હોય છે સંગ્રહિત ? 

આ ડેટાબેઝમાં ધરપકડ વોરંટ અને વ્યક્તિઓની પૃષ્ઠભૂમિ (બેકગ્રાઉન્ડ) જેવી વિગતો સંગ્રહિત હોય છે. પોલીસ અને તપાસ એજન્સીઓ તેનો ઉપયોગ ગુનેગારોની ઓળખ કરવા, ધરપકડ વોરંટની ચકાસણી કરવા અને ચાલી રહેલી તપાસ માટે જરૂરી રેકોર્ડ્સ મેળવવા માટે કરે છે.

સપ્ટેમ્બરમાં FBIની વેબસાઈટ થઇ હતી હેક 

આ પહેલાં, સપ્ટેમ્બર મહિનામાં "શાઈનીહન્ટર્સ" (ShinyHunters) નામના હેકર જૂથે FBIની ભરતી (રિક્રૂટમેન્ટ) વેબસાઈટને નિશાન બનાવી હતી. તે હુમલામાં એજન્સીના કર્મચારીઓની વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતી ચોરાઈ ગઈ હતી. આમ, થોડા જ મહિનાઓમાં FBIની સિસ્ટમ્સ પર થયેલો આ બીજો સાયબર હુમલો છે. જ્યાં પ્રથમ હુમલામાં કર્મચારીઓના વ્યક્તિગત ડેટાને નિશાન બનાવાયા હતા, ત્યાં આ તાજેતરની ઘટનામાં દેશભરની કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ગુનાહિત રેકોર્ડ્સના ડેટાબેઝ સાથે ચેડાં થયાં છે.

NCIC ડેટાબેઝ શું છે?

NCIC, એટલે કે 'નેશનલ ક્રાઈમ ઈન્ફોર્મેશન સેન્ટર', એક એવી ડિજિટલ સિસ્ટમ છે જેનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેડરલ, રાજ્ય અને સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે કરે છે. તેમાં ધરપકડ વોરંટ અને વ્યક્તિઓની પૃષ્ઠભૂમિ સંબંધિત રેકોર્ડ્સ હોય છે. આ સિસ્ટમની મદદથી, વિવિધ વિસ્તારોની પોલીસ ગુના સંબંધિત માહિતી એક જ જગ્યાએથી મેળવી શકે છે.