અમેરિકામાં હિન્દુ મંદિર પર માસ શૂટિંગ કરવાની કથિત યોજનાનો મામલો સામે આવ્યો છે.ઇલિનૉયના પેલેટાઇનમાં રહેતા 19 વર્ષીય યુવક એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસની આ કેસમાં ધરપકડ કરાઈ છે.પોલીસને શંકા છે કે તે નવરાત્રિ દરમિયાન ઓરોરા વિસ્તારના હિન્દુ ધાર્મિક સ્થળને નિશાન બનાવવાની યોજના ધરાવતો હતો.આરોપી પર આતંકી ધમકી આપવાના ગંભીર આરોપો પણ મૂકવામાં આવ્યા છે.જોકે કયા મંદિર પર હુમલો કરવાનું આયોજન હતું તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
પાપોરાકિસ તરફથી ઇલેક્ટ્રોનિક સંદેશાઓ મળ્યા હતા
પેલેટાઇન પોલીસને 11 ઓક્ટોબરના રોજ માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસ તરફથી સંભવિત માસ શૂટિંગ અંગે ચોક્કસ માહિતી મળી હતી.એક વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે તેને પાપોરાકિસ તરફથી ઇલેક્ટ્રોનિક સંદેશાઓ મળ્યા હતા.તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ સામૂહિક ગોળીબારની યોજના સાથે જોડાયેલો એક ગુપ્ત દસ્તાવેજ અન્ય વ્યક્તિ સાથે શેર કર્યો હતો.તેણે રાઇફલ, મેગેઝિન અને બોડી આર્મર સહિતના સાધનોની તસવીરો પણ મોકલી હતી.આ માહિતી મળતાં જ પેલેટાઇન અને માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. 11 ઓક્ટોબરની સાંજે આરોપી ઘરમાંથી બહાર નીકળતાં જ ઝડપાઈ ગયો હતો.પોલીસે તેને તાત્કાલિક કસ્ટડીમાં લઈને તપાસ આગળ ધપાવી હતી.
ઘરમાંથી એક રાઇફલ અને ભરેલી મેગેઝિનો મળી
ધરપકડ બાદ પોલીસે આરોપીના મકાનની સઘન તપાસ કરી હતી.તેના ઘરમાંથી એક રાઇફલ અને ભરેલી મેગેઝિનો મળી આવી હતી.સર્ચ ઓપરેશન દરમિયાન જીવતા કારતૂસ અને અન્ય વ્યૂહાત્મક સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.સુરક્ષા દળોને બોડી આર્મર ધરાવતું એક ખાસ વેસ્ટ પણ મળી આવ્યું હતું.આ વેસ્ટ પર શ્વેત વર્ચસ્વવાદી ઉગ્રવાદ સાથે જોડાયેલો એક પેચ લાગેલો હતો.તપાસ દરમિયાન પોલીસને આરોપી દ્વારા લખાયેલો એક ખાસ દસ્તાવેજ હાથ લાગ્યો હતો.આ દસ્તાવેજનું શીર્ષક મેં શા માટે લડાઈ લડી ઓરોરા શૂટરનો મેનિફેસ્ટો રાખવામાં આવ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર તેમાં શ્વેત વર્ચસ્વવાદી અને કટ્ટર ઉગ્રવાદી વિચારધારાનું સ્પષ્ટપણે સમર્થન કરવામાં આવ્યું હતું.આ મેનિફેસ્ટોમાં દક્ષિણ એશિયાઈ મૂળના લોકો વિરુદ્ધ હિંસા આચરવાનો સ્પષ્ટ ઉલ્લેખ હતો.તેમાં ખાસ કરીને ભારતીય સમુદાય સામે હિંસા કરવાનો બદઈરાદો છતો થયો હતો.
તપાસમાં હવે ફેડરલ એજન્સી એફબીઆઈનું શિકાગો કાર્યાલય સક્રિય
આ સંવેદનશીલ કેસની ઊંડાણપૂર્વકની તપાસમાં હવે ફેડરલ એજન્સી એફબીઆઈનું શિકાગો કાર્યાલય પણ સત્તાવાર રીતે સામેલ થયું છે.પોલીસે આરોપી સામે આતંકી ધમકી આપવા બદલ ગુનો દાખલ કર્યો છે.તેની સામે નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી લંબાઈની બેરલવાળી રાઇફલ રાખવાનો આરોપ છે.આ કેસમાં 14 ઓક્ટોબરના રોજ અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.સુનાવણી બાદ અદાલતે આરોપીને કસ્ટડીમાં રાખવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. અદાલતી આદેશ અનુસાર આ મામલે આરોપીની આગામી અદાલતી પેશી હવે 30 ઓક્ટોબરના રોજ નક્કી કરાઈ છે. સંભવિત ખતરાને ધ્યાને રાખીને ઓરોરા પોલીસે હિન્દુ ધાર્મિક સ્થળોને સાવચેત કર્યા છે.તમામ ધાર્મિક સ્થળોના સંચાલકોને સતર્ક રહેવા માટે સત્તાવાર સૂચના અપાઈ છે.
આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં ઉનાળા જેવી ગરમી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યારે ખાબકશે વરસાદ?