મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિની સીધી અને ગંભીર અસર હવે દુનિયાના વિકસિત દેશો પર પણ પડવા લાગી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે જાપાનની આર્થિક કમર તોડી નાખી છે. એક તરફ જાપાન અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા આયાત શુલ્ક (ટેરિફ) ની માર ઝેલી રહ્યું હતું, ત્યાં બીજી તરફ ઈરાન સંકટે 'આગમાં ઘી' હોમવાનું કામ કર્યું છે. પરિણામે, જાપાનને અંદાજે 1 લાખ કરોડ રૂપિયા (1700 અબજ યેન) નું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.

જાપાનનો વેપાર ખાધ રેકોર્ડ સ્તરે

જાપાન સરકાર દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે નાણાકીય વર્ષ 2025-26 માં જાપાનનો વેપાર ખાધ (Trade Deficit) વધીને 1700 અબજ યેન પર પહોંચી ગયો છે. ચિંતાજનક વાત એ છે કે, જાપાન સતત પાંચમા નાણાકીય વર્ષમાં વેપાર ખાધ નોંધાવી રહ્યું છે. જોકે, માર્ચ મહિનામાં નિકાસમાં થોડો સુધારો (26% નો વધારો) જોવા મળ્યો હતો, જે રિકવરીનો સંકેત છે, પરંતુ એકંદર ચિત્ર હજુ પણ ધૂંધળું છે.

ટ્રમ્પના ટેરિફથી ઓટોમોબાઈલ ઉદ્યોગને ફટકો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓએ જાપાનના નિકાસ ઉદ્યોગને મોટો ફટકો માર્યો છે. ખાસ કરીને ઓટોમોબાઈલ (મોટર વાહન) ઉદ્યોગને ભારે નુકસાન થયું છે. આંકડાઓ દર્શાવે છે કે આ નાણાકીય વર્ષમાં અમેરિકામાં જાપાનની કુલ નિકાસમાં 6.6% નો ઘટાડો થયો છે, જ્યારે મોટર વાહનોની નિકાસમાં 16% નો જંગી ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો વૈશ્વિક ઓટોમોબાઈલ ઉત્પાદકો અને સંબંધિત ઉદ્યોગો માટે મોટો ઝટકો છે.

ઈરાન યુદ્ધ અને તેલ સંકટની ચિંતા

જાપાન માટે સૌથી મોટી ચિંતા ઊર્જા પુરવઠાની છે. જાપાન પોતાની જરૂરિયાતનું લગભગ તમામ તેલ અને ગેસ આયાત કરે છે, જેનો મોટો હિસ્સો મિડલ ઈસ્ટમાંથી આવે છે. ઈરાન યુદ્ધને કારણે આ પુરવઠા માર્ગમાં અવરોધ આવવાની આશંકા જાપાનને સતાવી રહી છે. તેલની અછત માત્ર ઈંધણ જ નહીં, પરંતુ મેડિકલ સપ્લાય અને પ્લાસ્ટિક ઉદ્યોગ માટે જરૂરી નેપ્થા આધારિત ઉત્પાદનોને પણ અસર કરી શકે છે.

જાપાન પાસે 254 દિવસનો તેલ ભંડાર

આ કટોકટી વચ્ચે જાપાન સરકારે જનતાને આશ્વાસન આપ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશ પાસે આવી ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે 254 દિવસનો તેલ ભંડાર ઉપલબ્ધ છે. જરૂર પડ્યે પુરવઠો સ્થિર રાખવા માટે આ ભંડારમાંથી ઉપયોગ કરી શકાય છે. સાથોસાથ જાપાન હવે તેલ અને ગેસની આયાત માટે Strait of Hormuz ના વૈકલ્પિક માર્ગોની શોધ પણ તેજ કરી રહ્યું છે.

આ પણ વાંચો: