યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે કહ્યું કે, ઈરાને ખોટો નિર્ણય લીધો છે અને હવે તેની કિંમત ચૂકવશે.

અમેરિક-ઇરાન વચ્ચે વધતો સંઘર્ષ 

યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે કહ્યું કે, ઈરાને ખોટો નિર્ણય લીધો છે અને હવે તેની કિંમત ચૂકવશે. આ અઠવાડિયે અમેરિકાએ ત્રીજી વખત ઈરાન પર હુમલો કર્યા બાદ તેમનું નિવેદન સામે આવ્યું છે. હેગસેથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુએસ સેન્ટ્રલ કમાન્ડ તરફથી નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેઓએ લખ્યું ઠે કે, ઈરાને ખૂબ જ ખરાબ નિર્ણય લીધો છે. હવે તે આ અંગે કિંમત ચૂકવશે. 

યુએસ સેનાએ શુ કહ્યું ?  

CENTCOM અનુસાર, આ અઠવાડિયે ઈરાન પર આ ત્રીજો યુએસ હુમલો હતો. યુએસ સેનાએ કહ્યું કે, આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કારણ કે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કાર્ગો જહાજ પર હુમલો કર્યો હતો. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે અમેરિકન સમય મુજબ, 7:15 કલાકે લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અમેરિકાનો દાવો છે કે, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે સાયપ્રસ-ધ્વજવાળા કન્ટેનર જહાજ M/V GFS ગેલેક્સી પર હુમલો કર્યો હતો.

ઈરાને શું કહ્યું?

યુએસ હુમલાના થોડા સમય પહેલા, ઈરાનની IRGC નેવીએ એક કન્ટેનર જહાજને અટકાવીને હુમલો કરવાનો દાવો કર્યો હતો. ઈરાન કહે છે કે, જહાજ પરવાનગી વિના તેના નિર્ધારિત દરિયાઈ માર્ગથી ભટકવાનો પ્રયાસ કરી રહ્યું હતું. વારંવાર ચેતવણીઓ છતાં, જહાજ અટક્યું નહીં. જેના કારણે કાર્યવાહી થઈ હતી. આ ઘટનાથી બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે. અમેરિકા અને ઈરાન એકબીજા પર પરિસ્થિતિને વધુ ખરાબ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

યુએસએની પ્રતિક્રિયા 

સેન્ટકોમે જણાવ્યું હતું કે ઈરાનને અગાઉ સમજૂતી કરારનું પાલન કરવાની તક આપવામાં આવી હતી. આ હોવા છતાં, તેણે ફરીથી વેપારી જહાજો પર હુમલો કર્યો હતો. યુએસ સૈન્યએ જણાવ્યું હતું કે, જવાબમાં, તે નાગરિક ખલાસીઓ અને કાર્ગો જહાજો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતી ઈરાની લશ્કરી ક્ષમતાઓને સતત નિશાન બનાવી રહ્યું છે. અમેરિકાના હુમલાના થોડા સમય પછી, ઈરાને જાહેરાત કરી કે હોર્મુઝની સામુદ્રધુનીને આગામી સૂચના સુધી ફરીથી બંધ કરવામાં આવી રહી છે. 

હોર્મુઝ સ્ટ્રેટ કરાયુ બંધ 

ઈરાને કહ્યું કે તેની ચેતવણી દરમિયાન ચલાવવામાં આવેલ એક ગોળી એક જહાજ પર વાગી જે પરવાનગી વિના સમુદ્રમાંથી પસાર થઈ રહ્યું હતું. ઈરાને ચેતવણી પણ આપી હતી કે, જો તેને વધુ હુમલાઓનો સામનો કરવો પડે છે. તો તે પ્રદેશમાં દુશ્મન દેશોના અન્ય લશ્કરી થાણાઓને નિશાન બનાવી શકે છે. દરમિયાન, ઈરાની રાજ્ય મીડિયા અનુસાર, યુએસ હુમલા શરૂ થયા પછી બંદર અબ્બાસ અને સિરિક જેવા દરિયાકાંઠાના શહેરોમાં અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ સવારની માત્ર 15 મિનિટ બદલી દેશે તમારું જીવન, સવારે યોગ કરવાના જાણો ફાયદા