અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ, જાસ્ક અને કેશમ દ્વીપ પર હુમલા કર્યા છે. આ હુમલાઓ બાદ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે, “અમારું મિશન પૂર્ણ થયું છે. આ હુમલા આત્મરક્ષાના ભાગરૂપે કરવામાં આવ્યા છે અને એક દિવસ અગાઉ અમેરિકન અપાચે હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું હોવાના જવાબમાં કરવામાં આવ્યા છે.”


અમેરિકાએ અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાનો દાવો કર્યો

આ કાર્યવાહી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવા બાદ કરવામાં આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે ઈરાને હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું. આ દાવા બાદ અમેરિકાએ મંગળવારે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી.

બીજી તરફ, ઈરાને અમેરિકાના આ આરોપોને નકારી કાઢ્યા છે. ઈરાનનું કહેવું છે કે તેમણે કોઈ અમેરિકન અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યું નથી અને અમેરિકા આ ઘટનાને બહાનું બનાવીને હુમલો કરી રહ્યું છે.

અમેરિકી સેનાનો દાવો – આત્મરક્ષામાં કરવામાં આવ્યો હુમલો

અમેરિકી સેનાએ જણાવ્યું કે ઈરાન વિરુદ્ધની જવાબી સૈન્ય કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. CENTCOM મુજબ, આ અભિયાન આત્મરક્ષાના હેતુથી હાથ ધરવામાં આવ્યું હતું અને 9 જૂને રાષ્ટ્રપતિના આદેશ પર અમલમાં મૂકવામાં આવ્યું હતું. અમેરિકાનો દાવો છે કે એક દિવસ પહેલાં તેમનું અપાચે હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું હતું.

ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર સ્ટેશનો બન્યા નિશાન

CENTCOMના જણાવ્યા અનુસાર, અમેરિકી વાયુસેના અને નૌકાદળના લડાકૂ વિમાનોએ પ્રિસિઝન મ્યુનિશનનો ઉપયોગ કરીને હોર્મુઝ જળમાર્ગ નજીક આવેલી ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કન્ટ્રોલ સ્ટેશનો અને સર્વેલન્સ રડાર સાઇટ્સને નિશાન બનાવી હતી.

અમેરિકાનું કહેવું છે કે આ હુમલો તેમના સૈનિકો અને આ વિસ્તારમાંથી પસાર થતાં આંતરરાષ્ટ્રીય વેપારી જહાજો પર થયેલા તાજેતરના હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યો છે. CENTCOMએ વધુમાં જણાવ્યું કે અમેરિકી સેના સંપૂર્ણ રીતે સતર્ક છે અને ઈરાન તરફથી કોઈપણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે.

  • Follow us on: