મિડિલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. બંને દેશો વચ્ચે આશરે બે મહિના પહેલા થયેલું સીઝફાયર (યુદ્ધવિરામ) સંપૂર્ણપણે તૂટી ગયું છે. અમેરિકાએ ઈરાનના મિનાબ, ઇસ્ફહાન અને કેશમ દ્વીપ જેવા વ્યૂહાત્મક વિસ્તારો પર સળંગ બીજા દિવસે ભીષણ એરસ્ટ્રાઈક કરી છે. આ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનાટીભરી જાહેરાત કરતા જણાવ્યું છે કે, અમેરિકા આગામી સમયમાં ઈરાનના પ્રખ્યાત ખાર્ગ દ્વીપ (Kharg Island) અને તેલ સાથે જોડાયેલા તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પોતાનો કબ્જો જમાવશે.
તેલ-ગેસ માર્કેટ પર અમેરિકાનું રહેશે નિયંત્રણ: ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, ઈરાનની નેવી, એરફોર્સ, રડાર અને એન્ટી-એરક્રાફ્ટ સહિતની સંરક્ષણ પ્રણાલીઓ નષ્ટ થઈ ચૂકી છે. અમે ઈરાનના ઓઈલ અને ગેસ માર્કેટ પર તે જ રીતે સંપૂર્ણ નિયંત્રણ મેળવીશું જેવી રીતે વેનેઝુએલાના કિસ્સામાં કર્યું હતું. અહેવાલો અનુસાર, ઈરાન સાથેની પરદા પાછળની ડીલ સફળ ન થતાં અને અમેરિકી હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા બાદ ટ્રમ્પે આ કડક સૈન્ય કાર્યવાહીના આદેશ આપ્યા છે.













