ઈરાન સામે છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા યુદ્ધે વિશ્વની સૌથી મોટી સૈન્ય તાકાત ગણાતા અમેરિકા સામે એક નવો અને ગંભીર પડકાર ઊભો કરી દીધો છે. એક અહેવાલ મુજબ, આ યુદ્ધમાં અમેરિકાના સૌથી આધુનિક અને લાંબા અંતરના હથિયારોનો ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે. સ્થિતિ એટલી નાજુક બની છે કે ATACMS, PrSM, THAAD, પેટ્રિયટ અને ટોમાહોક જેવી ઘાતક મિસાઈલોનો સ્ટોક ફરીથી ભરવામાં અમેરિકાને ઓછામાં ઓછા ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે.
મિસાઈલોનો જથ્થો તળિયે
અહેવાલો અનુસાર, અમેરિકી સેનાએ આ યુદ્ધમાં તેની જમીન પરથી જમીન પર માર કરનારી ATACMS અને નવી પેઢીની PrSM (પ્રિસીઝન સ્ટ્રાઈક મિસાઈલ)નો મોટાભાગનો સ્ટોક વાપરી નાખ્યો છે. PrSM એક નવું સિસ્ટમ હોવાથી તેનો પ્રાથમિક જથ્થો પહેલેથી જ મર્યાદિત હતો. આ મિસાઈલો અમેરિકા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે સૈનિકોને મોકલ્યા વિના સેંકડો કિલોમીટર દૂર દુશ્મનના ઠિકાનાઓને ચોક્કસતાથી નિશાન બનાવી શકે છે. ભવિષ્યમાં જો ચીન સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તણાવ વધે, તો આ મિસાઈલો જ અમેરિકાની મુખ્ય તાકાત સાબિત થઈ શકે તેમ છે.
CSIS નો દાવો: પેટ્રિયટ અને ટોમાહોકનો ભંડાર પણ ઘટ્યો
ડિફેન્સ થીંક ટેન્ક CSIS ના વિશ્લેષણ મુજબ, અમેરિકાના અન્ય મહત્વપૂર્ણ શસ્ત્રો પર પણ ભારે દબાણ આવ્યું છે. અંદાજ પ્રમાણે:
પેટ્રિયટ એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર: આશરે 65% સ્ટોક વપરાઈ ગયો છે.
THAAD ઇન્ટરસેપ્ટર: સ્ટોકમાં લગભગ 38% નો ઘટાડો નોંધાયો છે.
ટોમાહોક ક્રૂઝ મિસાઈલ: ગ્લોબલ સ્ટોકમાંથી આશરે અડધોઅડધ જથ્થો ખર્ચ થઈ ચૂક્યો છે.
વૈશ્વિક સુરક્ષા, યુક્રેન અને ઈન્ડો-પેસિફિક પર અસરો
આ સંકટને પહોંચી વળવા માટે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ વિશ્વના અન્ય સૈન્ય કમાન્ડોમાં રાખેલા પોતાના સ્ટોકમાંથી પણ મિસાઈલો મંગાવવી પડી રહી છે. મિસાઈલોની આ અછત માત્ર મિડલ ઈસ્ટ પૂરતી સીમિત નથી, પરંતુ યુક્રેન અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા પર પણ નકારાત્મક અસર પાડી શકે છે.
વ્હાઈટ હાઉસનો ઇનકાર અને નિષ્ણાતોની ચેતવણી
બીજી તરફ, વ્હાઈટ હાઉસ અને પેન્ટાગોને આ અહેવાલોને નકારતા દાવો કર્યો છે કે અમેરિકા પાસે જરૂરિયાત કરતાં પણ વધુ હથિયારો છે અને ઉત્પાદન ઝડપથી વધારવામાં આવી રહ્યું છે. જોકે, સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે હાલના ઉત્પાદન દર મુજબ આ મિસાઈલ સ્ટોક ફરી પૂરો કરવામાં ઓછામાં ઓછા ૩ વર્ષ કે તેથી વધુ સમય લાગશે, જે અમેરિકા માટે અસ્થાયી નબળાઈ ઊભી કરી શકે છે.
આ પણ વાંચો: Himachal : ઘર વહુના નામે હોય તો પણ સાસુને રહેવાનો અધિકાર, હાઈકોર્ટે કહ્યું- ઘરમાંથી કાઢવી ગેરકાયદેસર