ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને લશ્કરી સંઘર્ષ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રૂડ ઓઈલના ભાવોને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ દાવો કર્યો છે. વૈશ્વિક બજારોમાં તેલના ભાવોમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઈરાન સાથેનો આ સંઘર્ષ લાંબો સમય નહીં ચાલે અને તે પૂર્ણ થયા બાદ વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળશે. હાલના મોંઘા તેલના ભાવો માટે ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના વહીવટીતંત્રને સીધા જવાબદાર ઠેરવ્યા છે.

બાઇડન વહીવટીતંત્ર પર પ્રહાર અને વર્તમાન કટોકટી

ટ્રમ્પે જણાવ્યું હતું કે બાઇડન શાસન દરમિયાન તેલના ભાવ વર્તમાન સ્તર કરતા પણ ઘણા ઊંચા હતા. તેમણે અમેરિકામાં હાલના ભાવ વધારા પાછળ 'ઊંઘમાં રહેલા જો બાઇડન' ની નીતિઓને દોષી ગણાવી હતી. આ સાથે પોતાના કાર્યકાળનો ઉલ્લેખ કરતા તેમણે દાવો કર્યો હતો કે તેમના વહીવટીતંત્રે અગાઉ ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી સફળતાપૂર્વક અટકાવ્યું હતું.

ડ્રોન હુમલામાં ઓઇલની પાઇપલાઇનને પહોંચ્યું નુકસાન

બીજી તરફ, ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ અને પુરવઠાની સમસ્યાઓને કારણે તેલના ભાવો પર દબાણ વધ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની ઘેરાબંધી અને લાલ સમુદ્રમાં હુતી બળવાખોરોના હુમલાઓની સાથે સાઉદી અરેબિયા દ્વારા તેની પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન બંધ કરી દેવામાં આવી છે. ગુરુવારે ઇરાક તરફથી આવેલા ડ્રોન હુમલામાં આ પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે રિયાધે સાવચેતીના ભાગરૂપે આ મહત્વપૂર્ણ ક્રૂડ ઓઈલ પાઇપલાઇન અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે.

વૈશ્વિક બજાર પર અસર

મીડિયા રિપોર્ટના અહેવાલ પ્રમાણે આ પાઇપલાઇન બંધ થવાથી વૈશ્વિક તેલ પુરવઠાને ભારે અસર થઈ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ પ્રતિ બેરલ $૧૦૬ થી વધીને $૧૦૮ ની નજીક પહોંચી ગયા છે, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ફ્યુચર્સ $૧૦૨ ને વટાવી ગયા છે. આટલી ગંભીર કટોકટી વચ્ચે પણ ટ્રમ્પે પોતાના નિર્ણયોનો બચાવ કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે ભલે મધ્યસત્ર ચૂંટણીઓ પહેલા આ સંઘર્ષ રાજકીય પડકાર બન્યો હોય, પરંતુ તેમની રણનીતિ અડગ છે અને ટૂંક સમયમાં સ્થિતિ થાળે પડતાં તેલના ભાવ ઘટવા લાગશે.

આ પણ વાંચોઃ UK Breakup Risk : શું બ્રિટનના પડશે ભાગલા? વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડ અલગ થવાના કરાર પર હસ્તાક્ષર