પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકાએ ઈરાન વિરૂદ્ધ નવા સૈન્ય હુમલા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર, વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાં સામેલ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી પસાર થતા માલવાહક જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાફ શબ્દોમાં જાહેર કર્યું છે કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે થયેલો વચગાળાનો કરાર હવે તેમના મતે પૂરો થઈ ગયો છે. અમેરિકાને જવાબ આપવા ઇરાને પણ કુવૈતમાં અમેરિકી સૈન્ય બેઝ પર હુમલો કર્યો છે.
ઈરાનના દક્ષિણ તટીય વિસ્તારોમાં હુમલા
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર ઈરાનના દક્ષિણ તટીય વિસ્તારોમાં હુમલા તેજ કર્યા છે. આ હુમલાઓમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ના સલમાન કમાન્ડ હેડક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યું છે.
અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ જેવી સ્થિતિ સર્જાઈ
આ ઉપરાંત ચાબહાર, બંદર અબ્બાસ, જાસ્ક અને કૅશ્મ સહિતના ઈરાની શહેરો પર અમેરિકાએ બોમ્બમારો કર્યો છે, જેના કારણે ઈરાનના અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાનું કહેવું છે કે વાણિજ્યિક જહાજો પર ઈરાન દ્વારા કરાયેલા કથિત હુમલાના જવાબમાં આ કાર્યવાહી જરૂરી હતી.
https://twitter.com/CENTCOM/status/2074880142665478337
જો હુમલો કરશો તો જડબાતોડ જવાબ મળશે
બીજી તરફ, ઈરાને પણ અમેરિકાને બરાબરનો જવાબ આપવાની ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, "જો હુમલો કરશો તો જડબાતોડ જવાબ મળશે." તેમણે ઉમેર્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર માત્ર ઈરાનની વ્યવસ્થા હેઠળ જ થશે, અમેરિકાની ધમકીઓથી નહીં. જ્યારે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને 'અપરાધી' ગણાવતા કહ્યું કે અમેરિકાએ કરારની શરતો તોડી છે અને ઈરાન પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે મજબૂતીથી લડશે.
આ પણ વાંચો---- Porbandar : માધવપુરના દરિયામાં તણાઈ આવ્યું રહસ્યમય કન્ટેનર, લોકોના ટોળા ઉમટ્યા, પોલીસ-કસ્ટમ એલર્ટ