ગલ્ફ (ખાડી ક્ષેત્ર)માં વધુ એક મોટા અને ભયાનક યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, અમેરિકા અને ઇઝરાયલ મળીને ઈરાન પર એક મોટા પાયાના લશ્કરી હુમલાની યોજના બનાવી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ઇઝરાયલમાં યોજાનારી ચૂંટણીઓ પહેલાં આ સૈન્ય કાર્યવાહી શરૂ થઈ શકે છે. રાજદ્વારી વાટાઘાટો અટકી પડવાને કારણે અને મિડલ ઈસ્ટમાં અમેરિકન લશ્કરી સંસાધનોની મોટાપાયે તૈનાતીને પગલે સમગ્ર પ્રદેશમાં ભયનો માહોલ છે.

અમેરિકાની મોટા પાયે લશ્કરી તૈનાતી

એક સત્તાવાર અમેરિકી અધિકારીના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટા પાયે લડાઇ કામગીરી ફરી શરૂ કરવાની મંજૂરી આપે તેવી પ્રબળ શક્યતા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) સંભવિત 'એપિક ફ્યુરી' ઓપરેશન માટે જરૂરી તમામ લશ્કરી તૈયારીઓ કરી રહ્યું છે. હાલમાં જ યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ એરક્રાફ્ટ કેરિયર અને ૧૩મું મરીન એક્સપિડિશનરી યુનિટ આ પ્રદેશ તરફ રવાના કરાયા છે, જેમાં લગભગ 10,000 જેટલા વધારાના ખલાસીઓ અને મરીન સૈનિકો સામેલ છે. નોંધનીય છે કે બે અન્ય યુએસ એરક્રાફ્ટ કેરિયર્સ પહેલાથી જ અરબી સમુદ્રમાં તૈનાત છે.

વ્હાઇટ હાઉસનો ઇનકાર અને ઈરાનની કડક ચેતવણી

બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ આ અહેવાલોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ચૂંટણીઓ પહેલાં ઈરાન પર હુમલો કરવાની કોઈ યોજના ધરાવતું નથી.આ દરમિયાન ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી જનરલ મોહસેન રેઝાઈએ અમેરિકા અને ઇઝરાયલને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે ઈરાન પાસે પ્રદેશમાં આવેલી તમામ યુએસ સંપત્તિઓ અને સૈન્ય મથકો પર મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કરવાની પૂર્ણ ક્ષમતા છે.

ઇરાને સામે અમેરિકાને આપી ચેતવણી

ઈરાની અધિકારીઓના મતે, જો આ વખતે યુદ્ધ ફાટી નીકળશે તો અમેરિકા અને તેના સાથી દેશોને પહેલાં કરતા દસ ગણું વધુ નુકસાન સહન કરવું પડશે. ઈરાને ઉમેર્યું કે તેઓ રાજદ્વારી ઉકેલને પ્રાથમિકતા આપે છે, પરંતુ જો યુદ્ધ ઠોકી બેસાડવામાં આવશે તો તેનો સખત અને વિનાશક જવાબ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ India-Poland ની મિત્રતા વધુ મજબૂત બનશે! PM મોદી અને ડોનાલ્ડ ટસ્ક વચ્ચે મળશે મહત્ત્વપૂર્ણ બેઠક