અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ પ્રતિનિધિ ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની સાથે સેનેટમાં પણ બહુમતી મેળવી લીધી છે. આ પરિણામ સાથે અમેરિકી સંસદનાં બંને ગૃહો પર ડેમોક્રેટિક પાર્ટીનું નિયંત્રણ આવી ગયું છે.
ટ્રમ્પ માટે આ મોટો રાજકીય ઝટકો છે, કારણ કે તેમના બીજા કાર્યકાળનાં શરૂઆતનાં બે વર્ષમાં રિપબ્લિકન પાર્ટી પાસે કોંગ્રેસનાં બંને ગૃહોમાં બહુમતી હતી. હાર બાદ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ, ન્યૂયોર્ક ટાઈમ્સ અને અન્ય મીડિયા સંસ્થાઓ સાથેની વાતચીતમાં પોતાની પાર્ટીના પ્રદર્શન અંગે સ્પષ્ટતા કરી હતી.
તેમણે સ્વીકાર્યું હતું કે ઈરાન યુદ્ધ અને તેના કારણે વધેલી મોંઘવારીની ચૂંટણી પર અસર પડી હતી. જોકે, તેમણે આ પરિણામને પોતાના નેતૃત્વ વિરુદ્ધનો જનમત માનવાનો ઇનકાર કર્યો હતો.
ટ્રમ્પે હાર પાછળ પાંચ કારણો ગણાવ્યાં હતાં. તેમાં મોંઘું પેટ્રોલ, પોતે ચૂંટણીમાં ઉમેદવાર ન હોવું, રિપબ્લિકન ઉમેદવારોની નબળાઈ, ફોક્સ ન્યૂઝ દ્વારા વિપક્ષને વધુ સ્થાન આપવું અને ડેમોક્રેટ્સનું જોરદાર પ્રચાર અભિયાન સામેલ છે.
ઈરાન યુદ્ધ અને પેટ્રોલના વધતા ભાવ
ટ્રમ્પે સ્વીકાર્યું કે ઈરાન યુદ્ધ રિપબ્લિકન પાર્ટીની હારનું એક કારણ રહ્યું છે. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે લોકો ઈરાનને લઈને તેમના નિર્ણય સાથે સહમત હોઈ શકે છે, પરંતુ પેટ્રોલ અને ગેસોલિનના ઊંચા ભાવ ચૂકવવાની શરૂઆતની અને તાત્કાલિક અસર સહન કરવા તૈયાર નહોતા. ટ્રમ્પે કહ્યું, "હું આ વાત સમજું છું, જોકે તેની સાથે સહમત નથી."
ઈરાન સાથેના યુદ્ધને કારણે તેલ અને ગેસના ભાવમાં વધારો થયો છે. તેની અસર અમેરિકી પરિવારોના ખિસ્સા પર પડી અને ચૂંટણીમાં મોંઘવારી એક મોટો મુદ્દો બની ગઈ. જોકે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમને ઈરાન વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવાનો કોઈ અફસોસ નથી.
વૉલ સ્ટ્રીટ જર્નલ સાથેની વાતચીતમાં પણ તેમણે પોતાના વહીવટીતંત્રમાં મોટા પાયે અધિકારીઓને બદલવાની યોજના હોવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ તેમણે સંરક્ષણ મંત્રી પીટ હેગસેથનું સમર્થન કર્યું હતું.
ટ્રમ્પ પોતે ચૂંટણીના મેદાનમાં નહોતા
રિપબ્લિકન પાર્ટીની હાર અંગે ટ્રમ્પે બીજું કારણ આપતાં કહ્યું કે બેલેટ પેપર પર તેમનું નામ નહોતું. તેમણે દાવો કર્યો કે જો તેઓ પોતે ચૂંટણી લડ્યા હોત તો પાર્ટીને એકતરફી મોટી જીત મળી હોત. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં પણ ટ્રમ્પે કહ્યું કે ચૂંટણીના મેદાનમાં તેમની ગેરહાજરીની પરિણામો પર અસર પડી હતી.
તેમના મતે, મતદારો તેમના માટે મત આપવા વધુ ઉત્સાહિત હોત, જ્યારે સ્થાનિક ઉમેદવારોને એટલું સમર્થન મળ્યું નહોતું.
ઉમેદવારોની પોતાની નબળાઈ
ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોને પણ હાર માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, ઘણા ઉમેદવારોને મતદારોનું સમર્થન મળ્યું નહોતું, જ્યારે કેટલાક ઉમેદવારો પાર્ટીના સમર્થકોને પણ પસંદ નહોતા.
તેમણે કહ્યું કે ઘણી બેઠકો પર ઉમેદવારોની પોતાની ખામીઓ હતી. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ આ પરિણામોને પોતાના નેતૃત્વ પરના હુમલા તરીકે જોતા નથી. તેમના મતે, તેમની સરકારે બે વર્ષમાં સારું કામ કર્યું છે અને ચૂંટણીમાં થયેલી હારને તેમની નીતિઓ સાથે જોડવી યોગ્ય નથી.
Fox Newsને પણ ઠેરવ્યું જવાબદાર
રિપબ્લિકન પાર્ટીની હાર માટે ટ્રમ્પે Fox News પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર લખ્યું કે Fox News સતત ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ અને વિપક્ષને પોતાની ચેનલ પર સ્થાન આપી રહ્યું હતું.
ટ્રમ્પે ન્યૂયોર્કના પૂર્વ મેયર બિલ ડી બ્લાસિયોનું નામ લઈને નેટવર્ક પર કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું કે ચૂંટણીમાં થયેલી હાર માટે Fox News પણ જવાબદાર છે, કારણ કે ચેનલે સતત વિપક્ષને પ્રસારણમાં સ્થાન આપ્યું હતું.
ડેમોક્રેટ્સે મજબૂતીથી લડી ચૂંટણી
ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીની હારનું પાંચમું કારણ ડેમોક્રેટિક પાર્ટીની મહેનતને ગણાવી હતી. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં વિપક્ષી પાર્ટીનાં વખાણ કરતાં તેમણે કહ્યું કે ડેમોક્રેટ્સે સારું કામ કર્યું અને મજબૂતીથી ચૂંટણી લડી હતી. તેમણે કહ્યું કે તે સમયે ચૂંટણીના માહોલમાં એક અલગ પ્રકારની લાગણી જોવા મળી રહી હતી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ હાર માટે તેમણે પોતાને દોષી માનવાની જરૂર નથી.
હાર સ્વીકારી, પરંતુ Vetoની ચેતવણી પણ આપી
ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની વાતચીતમાં ચૂંટણીનાં પરિણામો સ્વીકારવાની અને દેશના હિતમાં ડેમોક્રેટ્સ સાથે કામ કરવાની તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું કે તેઓ વિપક્ષ સાથે મળીને કામ કરવા તૈયાર છે અને બંને પક્ષો કોઈ સમજૂતી પર પહોંચી શકે છે.
જોકે, ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ડેમોક્રેટ્સ કોઈ અયોગ્ય' વિધેયક પસાર કરીને તેમની પાસે મોકલશે તો તેઓ તેના પર Veto (વીટો) લગાવી દેશે.
આમ, ટ્રમ્પે સહયોગની વાત કરવાની સાથે સ્પષ્ટ કરી દીધું છે કે આગામી બે વર્ષ દરમિયાન વ્હાઇટ હાઉસ અને અમેરિકી કોંગ્રેસ વચ્ચે ટકરાવની શક્યતા યથાવત્ રહેશે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d
