અમેરિકાના પૂર્વ કિનારા (ઇસ્ટ કોસ્ટ) પર ત્રાટકેલા શક્તિશાળી 'નોરઇસ્ટર' વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ ભયાનક વાવાઝોડાને કારણે વોશિંગ્ટન, ડી.સી.થી લઈને ઉત્તરપૂર્વીય રાજ્ય મૈને સુધીના વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે પવન, અનરાધાર વરસાદ અને પૂરના જોખમને કારણે અનેક જગ્યાએ કટોકટી જાહેર કરવી પડી છે.

અમેરિકામાં વાવાઝોડાંને કારણે હવાઇસેવા પ્રભાવિત

વાવાઝોડાની સૌથી મોટી અસર હવાઈ સેવાઓ પર પડી છે. શનિવારે યુએસમાં અંદાજે 425 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે ૧,૩૩૮ જેટલી ફ્લાઇટ્સ મોડી પડી હતી. વીકએન્ડમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને એરપોર્ટ પર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેમની ફ્લાઇટ્સ કાં તો રદ થઈ ગઈ હતી અથવા લાંબો સમય વિલંબિત રહી હતી.

લાખો નાગરિકો વીજળી વગર રહેવા મજબૂર

હવામાનની આ પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે લાખો નાગરિકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે. ન્યૂ જર્સી, કનેક્ટિકટ, ન્યૂ યોર્ક અને પેન્સિલવેનિયા જેવા રાજ્યોમાં વૃક્ષો ધરાશાયી થવા અને વીજ લાઈનો તૂટી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. એક સમય તો એવો આવ્યો હતો કે ચારેય રાજ્યોમાં 88,000 થી વધુ ઘરો, દુકાનો અને ઓફિસો અંધારામાં ડૂબી ગયા હતા. જોકે, સ્થાનિક પાવર કંપનીઓ દ્વારા યુદ્ધના ધોરણે વીજળી પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. માત્ર લોંગ આઇલેન્ડમાં જ અંદાજે 13,300 ગ્રાહકો પ્રભાવિત થયા હતા, જ્યારે PSEG લોંગ આઇલેન્ડ દ્વારા શુક્રવાર સવારથી 34,600 થી વધુ ગ્રાહકોને વીજ પુરવઠો પાછો અપાયો છે.
https://twitter.com/Nutritionist03/status/2103969042885468538

ગંભીર હવામાનની ચેતવણી

યુએસ નેશનલ વેધર સર્વિસે આગામી સોમવાર સુધી મધ્ય-એટલાન્ટિક અને ન્યૂ ઇંગ્લેન્ડના વિસ્તારોમાં ગંભીર હવામાનની ચેતવણી જાહેર કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ, ખતરનાક સમુદ્રી પ્રવાહો અને અતિશય ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીના કેટલાક વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે, જ્યારે કનેક્ટિકટે પણ પોતાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સક્રિય કરી દીધું છે. પ્રશાસન દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
https://twitter.com/Adalakogeorgos/status/2103372327757193512

આ પણ વાંચોઃ UNGAના 81મા સત્રને વિદેશ મંત્રી જયશંકરે સંબોધ્યું. કહ્યું- ‘કોમર્શિયલ શિપિંગને નિશાન બનાવવું સ્વીકાર્ય નહીં’