અમેરિકાના જ્યોર્જિયામાં તાજેતરમાં એક ભયાનક એરોપ્લેન અકસ્માત સર્જાયો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યોર્જિયાના ગેઇન્સવિલે વિસ્તારમાં એક નાનું સિંગલ-એન્જિન વિમાન ટેકનિકલ ખામીને કારણે રસ્તાની વચ્ચે ઉતારવું પડ્યું હતું. આ ઘટના એટલી ઓચિંતી હતી કે વાહનચાલકો કંઈ સમજે તે પહેલાં જ પ્લેન રસ્તા પર દોડતી કારો સાથે અથડાયું હતું.

એન્જિનમાં ગંભીર ખામી સર્જાતા લેન્ડિંગ કર્યુ

મળતી માહિતી મુજબ, આ સિંગલ-એન્જિન 'હોકર બીચક્રાફ્ટ BE-36' વિમાને ગેઇન્સવિલેના લી ગિલમોર મેમોરિયલ એરપોર્ટથી ઉડાન ભરી હતી. તેનું લક્ષ્ય કેન્ટનના ચેરોકી કાઉન્ટી રિજનલ એરપોર્ટ પહોંચવાનું હતું. જોકે, ટેકઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ પ્લેનના પાયલટને સમજાયું કે એન્જિનમાં ગંભીર ખામી સર્જાઈ છે. બપોરે અંદાજે 12:10 વાગ્યે પાયલટે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ને એન્જિન ફેઈલ થવાની જાણ કરી હતી.

મેડે, મેડે, મેડે... ગેઇન્સવિલે" કહી મદદ માગી

એર ટ્રાફિક કંટ્રોલના રેકોર્ડિંગમાં પાઇલટનો ગભરાટ સ્પષ્ટ સંભળાય છે, જેમાં તે સતત "મેડે, મેડે, મેડે... ગેઇન્સવિલે" કહીને મદદ માંગી રહ્યો હતો. વિમાનમાં હવામાં ટકી રહેવાની ક્ષમતા ન હોવાથી પાયલટ પાસે એરપોર્ટ સુધી પરત ફરવાનો સમય નહોતો, પરિણામે તેણે બ્રાઉન્સ બ્રિજ રોડ અને પર્લ નિક્સ પાર્કવે જેવા વ્યસ્ત રસ્તા પર પ્લેન ઉતારવાનો જોખમી નિર્ણય લીધો.

https://twitter.com/mishika_singh/status/2021043756074664219

રસ્તા પર લેન્ડિંગ થતા થયું નુકસાન

જ્યારે વિમાન રસ્તા પર ઉતર્યું, ત્યારે ત્યાં ભારે ટ્રાફિક હતો. રનવેને બદલે ડામરના રોડ પર ઉતરતી વખતે પ્લેન સંતુલન ગુમાવી બેઠું અને ત્રણ વાહનો સાથે તેની ટક્કર થઈ. પોલીસ અહેવાલ અનુસાર, લેન્ડિંગ દરમિયાન વિમાનની જમણી પાંખ એક કાર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વિમાનની ઇંધણ ટાંકી (Fuel Tank) તૂટીને અલગ પડી ગઈ હતી અને તે એક SUV કારના પાછળના ભાગે જઈને અથડાઈ હતી.

સદનસીબે જાનહાનિ ટળી

આ અકસ્માત જોઈને કોઈને પણ એવું લાગે કે મોટી જાનહાનિ થઈ હશે, પરંતુ કુદરતની મહેરબાનીથી આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી. પોલીસે પુષ્ટિ કરી છે કે પ્લેનમાં સવાર લોકો અને રસ્તા પરના વાહનચાલકો પૈકી કેટલાકને નાની-મોટી ઈજાઓ થઈ છે, જેમની સારવાર કરવામાં આવી રહી છે. હાલ યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને FAA દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે એન્જિનમાં ખામી કયા કારણોસર સર્જાઈ હતી.

આ પણ વાંચોઃ India Mauritius relations : મોરેશિયસના PM રામગુલામ આવતા અઠવાડિયે ભારત આવશે, PM મોદી સાથે મહત્વપૂર્ણ ચર્ચા