અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરતા દેશો સામે કડક પગલાં લેવાના કાયદાની કેટલીક જોગવાઈઓ પર હાલ પૂરતી છૂટ આપી છે. આ પગલાં હેઠળ રશિયન તેલ અને ગેસના મોટા ખરીદદારો પાસેથી આયાત પર વધારાનો ટેરિફ વસૂલવાની જોગવાઈ હતી. જોકે, ટ્રમ્પે રાષ્ટ્રીય હિતનો હવાલો આપીને આ જોગવાઈઓનો અમલ હાલ માટે રોક્યો છે. આ નિર્ણય ભારત માટે પણ મહત્ત્વનો છે, કારણ કે ભારત રશિયન ક્રૂડ ઓઇલના મોટા ખરીદદારોમાં સામેલ છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું છે કે વહીવટીતંત્ર પ્રતિબંધો લાગુ કરવાથી વૈશ્વિક અર્થતંત્ર અને અમેરિકાને શું અસર થઈ શકે છે, તેની સમીક્ષા કરવા માટે 60 દિવસ સુધીનો સમય લેશે.
શું છે ટ્રમ્પનો નવો નિર્ણય?
ટ્રમ્પે 16 ઓક્ટોબર 2026ના રોજ લિન્ડસે ઓ. ગ્રેહામ સૅન્કશનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ હેઠળ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદામાં રશિયાના તેલ અને ગેસના મોટા ખરીદદારો પર વધારાના ટેરિફ લગાવવાની જોગવાઈ છે. કાયદા હેઠળ કેટલાક દેશોના માલ પર 100% સુધીનો વધારાનો ટેરિફ લાગુ થઈ શકતો હતો. પરંતુ ટ્રમ્પના આદેશમાં આ ટેરિફ અને કાયદાની કેટલીક પ્રતિબંધાત્મક જોગવાઈઓ પર હાલ માટે છૂટ આપવામાં આવી છે. વ્હાઇટ હાઉસના આદેશમાં આ નિર્ણયને અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં ગણાવવામાં આવ્યો છે. આનો અર્થ એ નથી કે રશિયા સામેના તમામ જૂના પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે.
ભારતને શા માટે મળી શકે છે રાહત?
ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદે છે. નવા કાયદા હેઠળ રશિયન ઊર્જા ખરીદતા મોટા દેશો પર ટેરિફ લગાવવામાં આવ્યા હોત તો ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી ચીજવસ્તુઓને પણ અસર થઈ શકતી હતી. હાલ પૂરતી છૂટ મળવાથી આ નવા ટેરિફનો તાત્કાલિક ખતરો ટળ્યો છે. જોકે, ભારત પર લાગુ થનારા કોઈ પણ ભાવિ પગલાં અંગે અંતિમ સ્થિતિ અમેરિકાની આગામી સમીક્ષા અને નિર્ણય પર આધારિત રહેશે.
60 દિવસમાં સમીક્ષા કરશે અમેરિકા
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પ વહીવટીતંત્ર પ્રતિબંધો અને ટેરિફ લાગુ કરવાથી અમેરિકાના અર્થતંત્ર તથા વૈશ્વિક બજારો પર થનારી અસરનું મૂલ્યાંકન કરશે. આ સમીક્ષા માટે 60 દિવસ સુધીનો સમય લેવામાં આવી શકે છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન સાથેના સંઘર્ષને કારણે ઊર્જા પુરવઠા અને ઇંધણના ભાવ અંગે ચિંતા વધી રહી છે. અમેરિકા માટે રશિયા પર દબાણ જાળવવું અને સાથે ઊર્જાના ભાવને કાબૂમાં રાખવા વચ્ચે સંતુલન સાધવું પડકારરૂપ બની રહ્યું છે
યુક્રેનના રાષ્ટ્રપતિએ નિર્ણયની ટીકા કરી
ટ્રમ્પના નિર્ણય પર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે રશિયા સામેના દબાણમાં છૂટ આપવાથી મોસ્કોને ફાયદો થઈ શકે છે અને યુક્રેન સામેની તેની કાર્યવાહી ચાલુ રાખવાનું પ્રોત્સાહન મળી શકે છે. બીજી તરફ, ટ્રમ્પ વહીવટીતંત્રે આ નિર્ણયને અમેરિકાના રાષ્ટ્રીય હિત સાથે જોડ્યો છે. હવે 60 દિવસની સમીક્ષા બાદ અમેરિકાની સરકાર આ ટેરિફ અને પ્રતિબંધો અંગે આગળ શું પગલું લે છે, તેના પર ભારત સહિત રશિયન ઊર્જા ખરીદતા દેશોની નજર રહેશે.
આ પણ વાંચો: Indonesia Forest Fire Haze: શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાતા એર પ્યુરીફાયર અને ઓક્સિજન ટેન્કની 6 ગણી વધી માંગ