ઈરાનને ભંડોળ પૂરું પાડતા અટકાવવા માટે અમેરિકાએ કડક પગલાં લેતા મુંબઈ સ્થિત બે ભારતીય કંપનીઓ અને પાંચ ભારતીય નાગરિકો પર પ્રતિબંધો લાદ્યા છે. યુએસ વહીવટીતંત્ર દ્વારા આ કાર્યવાહી ઈરાનથી પેટ્રોલિયમ ઉત્પાદનોના ગેરકાયદેસર વેપારમાં કથિત સંડોવણીના આરોપસર કરવામાં આવી છે. અમેરિકા ઈરાની સરકારની આવકના મુખ્ય સ્ત્રોતોને તોડી પાડવા અને તેને કોઈપણ દેશ સાથે તેલનો વેપાર કરતા રોકવા માટે સતત આક્રમક નિર્ણયો લઈ રહ્યો છે.
બે ભારતીય કંપની પર પ્રતિબંધ
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અહેવાલ મુજબ, ઈરાનથી પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી અને વેચાણને સરળ બનાવવા બદલ 'SSPL સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ' અને 'સમુદ્ર મરીન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ' સામે આ પગલાં લેવામાં આવ્યા છે. પ્રતિબંધિત કરાયેલા પાંચ ભારતીય નાગરિકોમાં SSPL સોલ્યુશન્સના અધિકારીઓ ધ્વની વોરા અને નિસર્ગ વોરા તેમજ સમુદ્ર મરીન સર્વિસિસના અધિકારીઓ કેતન કોચીકર, ભૂપેન્દ્રસિંહ સાહુ અને હરિશ્યામ હરિહરન ચુંડકટ્ટીલનો સમાવેશ થાય છે. આ નાણાકીય નિયમો હેઠળ આ તમામ વ્યક્તિઓને તેમની કંપનીઓ સાથે જોડાયેલા કોઈપણ નાણાકીય વ્યવહારો કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઈરાન વિરુદ્ધ અમેરિકાની કડક નીતિનો એક ભાગ
આ કાર્યવાહી 'ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ ઈરાન વિરુદ્ધ અમેરિકાની કડક નીતિનો એક ભાગ છે. યુએસ વિદેશ વિભાગે જણાવ્યું છે કે આ કંપનીઓએ ઈરાની સરકારને લાખો ડોલરનું ભંડોળ પૂરું પાડ્યું છે, જેનાથી ઈરાનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને બળ મળી રહ્યું છે. યુએસ સરકાર માત્ર ઈરાની પેટ્રોકેમિકલ ઉત્પાદનોના ખરીદદારો પર જ નહીં, પરંતુ વેચાણ અને પરિવહનને સરળ બનાવતી તમામ સંસ્થાઓ પર પણ સિંકજો કસી રહી છે.
17 ગુપ્ત જહાજો પર પણ લાદ્યા પ્રતિબંધ
જો કે, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે સમુદ્ર મરીન સર્વિસિસ જેવી ભારતીય કંપનીને તાત્કાલિક સંપૂર્ણ પ્રતિબંધિત કરવાને બદલે બાકી રહેલા સોદા, ચૂકવણીઓ અને કાગળકામનો નિકાલ કરવા માટે આગામી ૨૩ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ ઉપરાંત, અમેરિકાએ ઈરાનને મદદ કરતી અન્ય ૧૭ કંપનીઓ અને તેમના 17 "ગુપ્ત જહાજો" (ઘોસ્ટ વેસલ્સ) પર પણ પ્રતિબંધો લાદ્યા છે, જેઓ સમુદ્ર માર્ગે ગુપ્ત રીતે અન્ય દેશોમાં ઈરાની તેલ પહોંચાડતા હતા જેથી ઈરાનને નાણાકીય લાભ મળી શકે. આ કડક પ્રતિબંધોથી ભારતીય વેપારી વર્ગમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચોઃ Google Mapsમાં ઇન્ટરનેટ વગર પણ રસ્તો શોધી શકશો! આ રીતે ઑફલાઇન કરો નકશો સેવ