અમેરિકી નાણાંમંત્રી સ્કોટ બેસેન્ટે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન સાથે ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. ત્યાર બાદ યુરોપિયન કમિશન દ્વારા પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી કે રશિયા પર વધુ દબાણ બનાવવા માટે અમેરિકા અને યુરોપિયન યૂનિયન (EU) કયા પગલાં લઈ શકે.

અમેરિકા રશિયા પર દબાણ વધારવા ઇચ્છે છે

અમેરિકી નાણાંમંત્રીએ કહ્યું કે અમેરિકા રશિયા પર દબાણ વધારવા માંગે છે, પરંતુ તેના માટે યુરોપિયન દેશોનો સહકાર જરૂરી છે. બેસેન્ટે કહ્યું કે હવે સવાલ એ છે કે યુક્રેનિયન સૈન્ય અને રશિયન અર્થતંત્ર કેટલો સમય ટકી શકે. તેમણે આગળ જણાવ્યું કે જો અમેરિકા અને યુરોપિયન યુનિયન રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશો પર વધુ પ્રતિબંધો અને વધારાના ટેરિફ લગાવે છે, તો રશિયન અર્થતંત્ર સંપૂર્ણપણે હલી જશે. ત્યારબાદ પુતિનને મજબૂર થઇને વાતચીત કરવી પડશે.

રશિયન ઓઇની ખરીદી પર ટ્રમ્પ શું બોલ્યા?

હાલમાં જ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ખૂબ નિરાશ છે કારણ કે ભારત રશિયા પાસેથી વધારે પ્રમાણમાં ઓઇલ ખરીદી રહ્યો છે. તેમણે જણાવ્યું કે અમેરિકા ભારત પર ભારે ટેરિફ લગાવી ચૂક્યો છે, જે કુલ 50 ટકા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારો સંબંધ છે અને પીએમ મોદી થોડા મહિના પહેલા અમેરિકા પણ આવ્યા હતા. એટલું જ નહીં, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા પણ કરી હતી, તેમને પોતાનો મિત્ર અને મહાન નેતા ગણાવ્યા હતા..

ભારતની પ્રતિક્રિયા

ભારતએ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલ વધારાના ટેરિફ અયોગ્ય અને ખોટું ગણાવ્યું છે. ભારતે પોતાની રશિયન કાચા ઓઇલની ખરીદીનું સમર્થન કરતા કહ્યું છે કે આ ખરીદી તેના રાષ્ટ્રીય હિતો અને બજારની માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ભારતનું કહેવું છે કે તેની ઊર્જા ખરીદીનો હેતુ દેશના વિકાસ અને ઊર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવો છે.

આપને જણાવી દઈએ કે ટ્રમ્પ પ્રશાસને અગાઉ જાહેર કરેલા 25 ટકાના રેસિપ્રોકલ ટેરિફ સિવાય, રશિયન ઓઇલની ખરીદ માટે ભારત પર 25 ટકાનો વધારાનો ટેરિફ લગાવ્યો છે, જે 27 ઑગસ્ટથી લાગુ થયો છે. એટલે હવે ભારત પર અમેરિકાએ કુલ 50 ટકા ટેરિફ લાગુ કર્યો છે.

  • Follow us on: