અમેરિકાની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં વિદેશી વિદ્યાર્થીઓ, સંશોધકો અને પત્રકારોના અમેરિકામાં રહેવાના સમયગાળા પર મર્યાદા લાદવાની વાત કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ હેઠળ સંબંધિત વિઝાના આધારે અમેરિકામાં રહેવાની સમયમર્યાદા નક્કી કરવાની યોજના હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મધ્યસત્ર ચૂંટણીમાં મળેલી હાર બાદ કોર્ટનો આ નિર્ણય તેમના પ્રશાસન માટે વધુ એક કાનૂની પડકાર માનવામાં આવી રહ્યો છે. જુલાઈમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

તેના અનુસાર, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ચાર વર્ષથી વધુ સમય સુધી રહી શકતા ન હોત. જો કોઈ વિદ્યાર્થીએ ચાર વર્ષથી વધુ સમય રહેવું હોય તો તેના માટે ફેડરલ સરકારની મંજૂરી લેવી જરૂરી બનત.

બોસ્ટનની ફેડરલ કોર્ટના જજ એફ. ડેનિસ સેલરે સોમવારે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. તેમણે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે DHSનું આ પગલું મનસ્વી, અયોગ્ય અને સત્તાનો દુરુપયોગ છે. આ નિર્ણય કાયદાની જોગવાઈઓ સાથે પણ સુસંગત નથી.

જજે કહ્યું કે DHS એવી પ્રવૃત્તિને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેને અમેરિકન કોંગ્રેસે મંજૂરી આપી હતી અને પ્રોત્સાહન આપ્યું હતું. કોંગ્રેસે વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં શિક્ષણ મેળવવાની તક આપી છે. કાયદો DHSને એટલી વ્યાપક અને મનસ્વી સત્તા આપતો નથી કે તે F-1 વિઝા કાર્યક્રમને નબળો બનાવી શકે.

વિદેશી પત્રકારો માટે પણ સમયમર્યાદા ઘટાડવાની હતી

ટ્રમ્પ પ્રશાસનના પ્રસ્તાવમાં વિદેશી પત્રકારોના અમેરિકામાં રહેવાના સમયગાળાને પણ ઘટાડવાની જોગવાઈ હતી. આ સમયગાળો કેટલાક વર્ષોથી ઘટાડીને માત્ર 240 દિવસ કરવાનો પ્રસ્તાવ હતો. ખાસ વાત એ હતી કે ચીનના પત્રકારો માટે આ સમયમર્યાદા માત્ર 90 દિવસ નક્કી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, પ્રસ્તાવમાં ગ્રેસ પિરિયડ એટલે કે અભ્યાસ પૂર્ણ થયા બાદ અમેરિકામાંથી પરત ફરવા માટે મળતા સમયગાળાને પણ 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરવાની વાત હતી.

કોર્ટના નિર્ણય પર કોને શું કહ્યું?

લૅંગ્વેજ પ્રોગ્રામ માટે અમેરિકામાં રહેવાની કુલ સમયમર્યાદા 24 મહિના નક્કી કરવામાં આવી હતી. તેમાં રજાઓ અને અભ્યાસ વચ્ચેના વિરામનો સમય પણ સામેલ હતો. ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS)એ ફેડરલ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

FIIDSના અધ્યક્ષ અને નીતિ તથા વ્યૂહરચના વિભાગના પ્રમુખ ખંડેરાવ કાંડે જણાવ્યું હતું કે, કોર્ટના નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ફરી એકવાર રાહત મળી છે. આ નિર્ણય અમેરિકાના વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન અને નવીનતાના ભવિષ્યને સુરક્ષિત રાખવામાં પણ મદદરૂપ થશે.

આ કેસમાં અરજી કરનારા મુખ્ય પક્ષોમાં સામેલ પ્રેસિડેન્ટ્સ એલાયન્સ ઓન હાયર એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશનનાં અધ્યક્ષ અને CEO મિરિયમ ફેલ્ડબ્લમે પણ આ નિર્ણયને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો.

તેમણે કહ્યું કે આ નિર્ણય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, સંશોધકો તેમજ તેમને અભ્યાસની તક આપતી કોલેજો અને યુનિવર્સિટીઓ માટે મોટી જીત છે. વર્તમાન પ્રશાસનની નીતિઓ અને પ્રયાસોની નકારાત્મક અસરો હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ અને ત્યાં અભ્યાસ કરવાની તેમની રુચિમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, NAFSA: એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેટર્સનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO ફાંટા અવેએ જણાવ્યું હતું કે, આ નિર્ણય દ્વારા જજે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમેરિકામાં વિદ્યાર્થીઓના રોકાણની અવધિ નક્કી કરતી જૂની 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' નીતિ ચાલુ રહેશે.

અમેરિકન પ્રશાસને કોર્ટ સમક્ષ શું માગણી કરી હતી?

આ વર્ષે સપ્ટેમ્બરમાં બોસ્ટનની એક કોર્ટે DHSના પ્રસ્તાવિત નિયમ પર વચગાળાનો પ્રતિબંધ લગાવ્યો હતો. આ નિયમ લાંબા સમયથી અમલમાં રહેલી એવી નીતિને સમાપ્ત કરવાનો પ્રયાસ હતો, જેના હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારોને કોઈ નિશ્ચિત સમયમર્યાદાને બદલે તેમના અભ્યાસક્રમ અથવા કાર્યક્રમની સંપૂર્ણ અવધિ સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી મળતી હતી.

ત્યારબાદ DHSએ સપ્ટેમ્બરના આ આદેશ સામે ફર્સ્ટ સર્કિટ કોર્ટમાં અપીલ કરી હતી. આ ઉપરાંત, 3 નવેમ્બરે DHSએ કોર્ટને અપીલની કાર્યવાહી 30 દિવસ માટે રોકવાની વિનંતી કરી હતી. કારણ કે આ કેસમાં ટૂંક સમયમાં અંતિમ નિર્ણય આવવાની આશા હતી.

આ પણ વાંચો : https://sandesh.com/d