અમેરિકાના રાજકારણમાં ઇમિગ્રેશનને લઈને ફરી એકવાર મોટો વિવાદ શરૂ થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને પ્રવાસીઓના બાળકોને અમેરિકામાં જન્મના આધારે મળતી નાગરિકતાને રોકવા માટે બે નવા આદેશો જારી કર્યા છે. તાજેતરમાં જ જૂન મહિનામાં યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના અગાઉના આદેશને ફગાવી દીધો હતો અને બંધારણના ૧૪મા સુધારાને ટાંકીને યુએસમાં જન્મેલા દરેક બાળકને આપમેળે નાગરિકતા મળવાની વાતનું સમર્થન કર્યું હતું. પરંતુ, ટ્રમ્પે કોર્ટના આ નિર્ણયને ઉલટાવી દેવા માટે હવે આ કડક પગલાં ભર્યા છે.
બર્થ ટૂરિઝમ પર પ્રતિબંધ
ગુરુવારે જારી કરવામાં આવેલા નવા આદેશોમાં ખાસ કરીને "બર્થ ટૂરિઝમ" ને નિશાન બનાવવામાં આવ્યું છે. આ નિયમ હેઠળ, જે વિદેશી માતાઓ માત્ર અમેરિકામાં બાળકને જન્મ આપવા માટે જ પ્રવાસી વિઝા પર દેશમાં આવે છે, તેમના સંતાનોને હવે આપમેળે અમેરિકન નાગરિકતા આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, બીજા આદેશ અનુસાર જે બાળકોના માતા-પિતા આતંકવાદ જેવી ગતિવિધિઓ સાથે સંકળાયેલા છે, તેમને પણ યુએસ નાગરિકતા નકારવામાં આવશે. આ સાથે જ રાજદ્વારીઓ, વિદેશી સરકારોના કર્મચારીઓ અને વિદેશી હિતો માટે લોબિંગ કે કામ કરતા લોકોના ઘરે અમેરિકામાં જન્મેલા બાળકોને પણ આ નાગરિકતાના અધિકારથી વંચિત રાખવામાં આવશે.
