અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં બનેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીનીઓના દુઃખદ મોત થયા છે. આ બંને યુવતીઓએ તાજેતરમાં માસ્ટર્સની ડિગ્રી પૂર્ણ કરી હતી અને અમેરિકા ખાતે રોજગારની શોધમાં હતી. આ ઘટના બાદ તેમના વતન તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


બંને નોકરીની શોધમાં હતા

પ્રાપ્ત વિગતો મુજબ, ગારલા મંડલની રહેવાસી 24 વર્ષની પુલ્લાખંડમ મેઘના રાણી અને કડિયાલા ભાવના અભ્યાસ અર્થે અમેરિકા ગઈ હતી. બંનેએ કેલિફોર્નિયામાં રહીને ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને અભ્યાસ બાદ ત્યાં જ નોકરી મેળવવા માટે પ્રયત્ન કરી રહી હતી. મેઘના અને ભાવના માત્ર સહઅભ્યાસી જ નહીં પરંતુ નજીકની મિત્ર પણ હતી. તેઓ એકસાથે રહેતા અને ભવિષ્ય માટે સાથે યોજનાઓ બનાવી રહ્યા હતા. ઘટનાના દિવસે બંને મિત્રો સાથે બહાર ગયા હતા અને પરત ફરતી વખતે તેમની કાર ભયંકર અકસ્માતનો ભોગ બની. આ દુર્ઘટનામાં બંને યુવતીઓનું ઘટનાસ્થળે જ મોત થયું. અકસ્માતના ચોક્કસ કારણો હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

અધિકારીઓએ આગળની તપાસ શરૂ કરી

અમેરિકન અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે. બીજી તરફ, ઘટનાની જાણ મળતા જ ગારલા મંડલ સહિત સમગ્ર મહબૂબાબાદ જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મેઘના રાણીના પિતા નાગેશ્વર રાવ ગારલામાં મી-સેવા કેન્દ્ર ચલાવે છે, જ્યારે ભાવનાના પિતા મુલ્કાનૂર ગામના ઉપસરપંચ તરીકે સેવા કરે છે.

બંને પરિવારો ગહન દુખમાં ગરકાવ

દીકરીઓના અચાનક અવસાનથી બંને પરિવારો ગહન દુઃખમાં ગરકાવ છે. હાલમાં પરિવારજનો તેમના પાર્થિવ દેહોને ભારત પરત લાવવાના પ્રયાસોમાં લાગ્યા છે. આ પ્રક્રિયામાં થનારા ભારે ખર્ચને પહોંચી વળવા માટે ફંડ રેઇઝિંગનો સહારો લેવામાં આવી રહ્યો છે. સાથે જ, ભારત સરકાર અને સંબંધિત અધિકારીઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે, જેથી બંને દીકરીઓને અંતિમ વિદાય તેમના વતનમાં આપી શકાય.

આ પણ વાંચોઃ Mexico : વળાંક પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ, 13 યાત્રીઓના મોત, 98 લોકો ઘાયલ


  • Follow us on: