મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં સ્થિતિ વધુ સ્ફોટક બની છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભારે તણાવ વચ્ચે યુએસ એરફોર્સે પોતાના સૌથી શક્તિશાળી અને સુપરસોનિક B-1 બોમ્બર તૈનાત કરી દીધા છે. ઓનલાઈન ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટો મુજબ, આ બોમ્બરે યુકેના એરબેઝ પરથી ઉડાન ભરી છે. આ તૈનાતીને ઈરાન વિરુદ્ધ અમેરિકી સૈન્ય કાર્યવાહીના મોટા વિસ્તરણ તરીકે જોવામાં આવી રહી છે.

CENTCOM નું નિવેદન અને ટ્રમ્પની ચેતવણી

જોકે, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ B-1 મિશનનો સીધો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે યુએસ સેનાએ ઈરાનના લશ્કરી ઓપરેશન સેન્ટર, નેવી મથકો, ડ્રોન સ્ટોરેજ, એરક્રાફ્ટ હેંગર અને સપ્લાય બેઝ પર સચોટ હુમલા કર્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં દરિયાઈ માર્ગોને સુરક્ષિત કરવાનો અને ઈરાનની ધમકીઓને નાબૂદ કરવાનો છે. બીજી તરફ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન જહાજો પર હુમલા ચાલુ રાખશે, તો અમેરિકા તેહરાન સહિત ઈરાનના મહત્વના પુલ અને પાવર પ્લાન્ટ્સને પણ નિશાન બનાવી શકે છે. અમેરિકી અને ઇઝરાયેલી અધિકારીઓના મતે આગામી દિવસોમાં આ યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.

ઈરાનનો પલટવાર અને હુથી બળવાખોરોનો નવો મોરચો

અમેરિકાના વ્યાપક હુમલા છતાં ઈરાની શાસન પીછેહઠ કરવા તૈયાર નથી. ઈરાને પણ વળતો પ્રહાર કરતા ધમકી આપી છે કે જો તેહરાન પર હુમલો થશે, તો તે ખાડી (ગલ્ફ) દેશોમાં આવેલા અમેરિકી હિતો અને માળખાકીય સુવિધાઓને નષ્ટ કરી દેશે. દરમિયાન, ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં સાઉદી અરેબિયાના બંદરો પર નાકાબંધી જાહેર કરીને સાઉદી જહાજો પર હુમલા શરૂ કરી દીધા છે. બાબ અલ-મંડેબ (Bab al-Mandab) વિસ્તારમાં વધી રહેલા આ ખતરાના કારણે અનેક વેપારી જહાજોએ પોતાના રૂટ બદલવાની ફરજ પડી છે.

કતાર અને ઓમાનની મધ્યસ્થી છતાં ડેડલોક યથાવત

હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અને યુદ્ધ અટકાવવા માટે કતાર અને ઓમાન દ્વારા મધ્યસ્થીના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે, પરંતુ ઈરાને હજુ સુધી નવા પ્રસ્તાવને સ્વીકાર્યો નથી. જ્યોર્જિયામાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન અત્યારે ભારે નુકસાન સહન કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તે સમજૂતી માટે ટેબલ પર આવવા મજબૂર થશે.


આ પણ વાંચો :