અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રશાસનિક કટોકટી વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. ટ્રમ્પ કેબિનેટના પ્રભાવશાળી સભ્ય અને યુએસ શ્રમ સચિવ લોરી ચાવેઝ-ડેરેમરે ગંભીર ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારના આરોપો બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટ્રમ્પ સરકાર માટે આ મોટો ફટકો માનવામાં આવે છે કારણ કે તાજેતરના સમયમાં કેબિનેટમાંથી આ ત્રીજું રાજીનામું છે.

પૂલ પાર્ટી અને શટડાઉનનો વિવાદ

આ સમગ્ર વિવાદના મૂળ ઓક્ટોબર 2025 માં રહેલા છે. જ્યારે સમગ્ર અમેરિકા યુએસ શટડાઉન (સરકારી કામકાજ ઠપ્પ) ની કટોકટીનો સામનો કરી રહ્યું હતું, ત્યારે 58 વર્ષીય લોરી ચાવેઝ-ડેરેમર સરકારી ભંડોળનો ઉપયોગ કરીને તેમના મિત્રો સાથે આલીશાન 'પૂલ પાર્ટી' માણી રહ્યા હતા. દેશ જ્યારે આર્થિક અને વહીવટી મુશ્કેલીમાં હતો, ત્યારે એક જવાબદાર મંત્રી દ્વારા કરવામાં આવેલી આ હરકતે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

તપાસમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ડેરેમર વિરુદ્ધ અનેક ફરિયાદો મળી હતી, જેના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જે બાબતો બહાર આવી તે અત્યંત ગંભીર હતી. ડેરેમર પર આરોપ છે કે તેઓ કામના કલાકો દરમિયાન ઓફિસમાં દારૂ પીતા હતા અને ક્લબમાં મિત્રો સાથે સમય વિતાવતા હતા.તેઓ પોતાના કર્મચારીઓ પર બૂમો પાડતા અને અપમાનજનક વર્તન કરતા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી. તેમણે સરકારી નાણાંનો ઉપયોગ કરી પોતાના નજીકના સાથીઓને ગેરકાયદેસર રીતે પ્રવાસો પર મોકલ્યા હતા. તેમના સુરક્ષા ગાર્ડ પર પણ સત્તાના દુરુપયોગના આરોપો લાગ્યા છે.

વ્હાઇટ હાઉસનો બચાવ અને વાસ્તવિકતા

જોકે વ્હાઇટ હાઉસના પ્રવક્તા સ્ટીવન ચેઉંગે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે ડેરેમરે ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે રાજીનામું આપ્યું છે, પરંતુ વાસ્તવિકતા તપાસ અહેવાલ સાથે જોડાયેલી છે. તપાસનો રિપોર્ટ સેનેટને સુપરત કરવામાં આવતા જ ડેરેમરે નૈતિકતાના ધોરણે પદ છોડવાની જાહેરાત કરી હતી. તેમની સાથે વિભાગના અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓએ પણ રાજીનામા આપી દીધા છે.

આ પણ વાંચોઃ Canada જવા માંગતા ભારતીયો માટે સારાં સમાચાર, વિઝા પ્રોસેસિંગ સમયમાં મોટો ઘટાડો!