અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર તણાવ અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પોતાના સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો સોંપવા તૈયાર થઈ ગયું છે અને બંને દેશો ઐતિહાસિક સમજૂતીની ખૂબ નજીક છે. ટ્રમ્પના મતે, આ સમજૂતી વિશ્વ શાંતિ માટે નિર્ણાયક સાબિત થશે. જોકે, બીજી તરફ ઈરાને આ દાવાઓને સદંતર નકારી કાઢ્યા છે. ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફે ટ્રમ્પના નિવેદનોને 'જૂઠાણું' ગણાવ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે ઈરાન કોઈ પણ સંજોગોમાં પોતાનું યુરેનિયમ વિદેશ મોકલશે નહીં. વધુમાં, હોર્મુઝને લઈનેર ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની નૌકાબંધી નહીં હટાવે, તો આ મહત્વપૂર્ણ જળમાર્ગ બંધ કરી દેવામાં આવશે. આમ, બંને દેશો વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટોમાં વિશ્વાસનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જે આગામી સમયમાં વૈશ્વિક સ્તરે અનેક પ્રશ્નો ઉભા કરી શકે છે.


અમેરિકાને કંઈ હાંસલ થશે નહીં: ઈરાન

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે લગભગ છ અઠવાડિયાના સંઘર્ષ બાદ અમેરિકા અને ઈરાન એક સમજૂતીની નજીક પહોંચી ગયા છે. વ્હાઇટ હાઉસમાં બોલતા તેમણે દાવો કર્યો હતો કે તેહરાન પોતાના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને સોંપવા માટે સંમત થઈ ગયું છે.ઈરાને યુરેનિયમને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે કહ્યું કે ટ્રમ્પે ખોટા નિવેદનો આપ્યા છે. તેમણે 7 દાવા કર્યા અને તમામ ખોટા છે. ગાલિબાફે એમ પણ કહ્યું કે ખોટા દાવા કરીને અમેરિકાને કંઈ હાંસલ થશે નહીં.

અમેરિકાના સાતેય દાવા ખોટા:ઈરાન

ઈરાની સ્પીકરે X પર એક પોસ્ટમાં કહ્યું કે ટ્રમ્પે ઘણા ખોટા નિવેદનો આપ્યા. તેમણે લખ્યું, "અમેરિકાના રાષ્ટ્રપતિએ એક કલાકમાં સાત દાવા કર્યા અને તે સાતેય ખોટા છે. આ જૂઠાણાના સહારે તેઓ યુદ્ધ જીતી શક્યા નથી અને વાતચીતમાં પણ તેમને ચોક્કસપણે કોઈ સફળતા મળશે નહીં."ઈરાની સંસદના સ્પીકરે કહ્યું કે જો નાકાબંધી ચાલુ રહેશે તો તેહરાન હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દેશે. નાકાબંધી કરશે તો રહેવા પર હોર્મુઝ ખુલ્લું રહેશે નહીં અને આ જળમાર્ગ પરથી પસાર થવું ઈરાની પરવાનગી પર નિર્ભર રહેશે.

ટ્રમ્પે શું દાવો કર્યો હતો?

ટ્રમ્પે કહ્યું હતું કે તેહરાને પોતાના યુરેનિયમ ભંડારને સોંપવા પર સહમતિ દર્શાવી છે. ઈરાની સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધી આવી કોઈ વાતચીત થઈ નથી. સૂત્રએ કહ્યું કે અમેરિકાને કોઈપણ પ્રકારની ન્યુક્લિયર સામગ્રી આપવા પર કોઈ વાતચીત થઈ નથી. અન્ય એક ઈરાની સૂત્રએ આ દાવાને પાયાવિહોણો ગણાવતા તેને વધુ એક જૂઠાણું ગણાવ્યું અને કહ્યું કે ચાલી રહેલી વાતચીતમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. વાતચીત ચાલુ રાખવી ઈરાનની તમામ શરતોના પાલન પર નિર્ભર રહેશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ કહ્યું કે ઈરાન પોતાનું એનરિચ્ડ (સંવર્ધિત) યુરેનિયમ વિદેશ મોકલશે નહીં, જે ટ્રમ્પની અગાઉની ટિપ્પણીઓથી વિપરીત છે. તેમણે સરકારી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, "ઈરાનનું એનરિચ્ડ યુરેનિયમ ક્યાંય પણ મોકલવામાં આવશે નહીં. અમેરિકાને યુરેનિયમ મોકલવું એ અમારા માટે કોઈ વિકલ્પ નથી."

ટ્રમ્પે સફળતાનો કર્યો દાવો

આ પ્રતિક્રિયા ટ્રમ્પના એ નિવેદન પછી આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે લગભગ છ અઠવાડિયાના સંઘર્ષ બાદ અમેરિકા અને ઈરાન એક સમજૂતીની નજીક પહોંચી ગયા છે. વ્હાઇટ હાઉસમાં બોલતા તેમણે દાવો કર્યો કે તેહરાન પોતાના યુરેનિયમ ભંડારને સોંપવા માટે સંમત થઈ ગયું છે.

પરમાણુ મટીરિયલ પરત આપવા પર સહમત

ટ્રમ્પે કહ્યું કે તેઓ અમને પરમાણુ મટીરિયલ પરત આપવા માટે સંમત થઈ ગયા છે, તેમનો ઈશારો સમૃદ્ધ યુરેનિયમ તરફ હતો, જેના વિશે વોશિંગ્ટનનું માનવું છે કે તેનો ઉપયોગ પરમાણુ હથિયાર બનાવવા માટે થઈ શકે છે. તેમણે આગળ કહ્યું કે સમજૂતીને અંતિમ રૂપ આપવામાં આવે તેની ખૂબ સારી સંભાવના છે. ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો કે જો ઇસ્લામાબાદમાં સમજૂતી થઈ જાય છે તો તેઓ ત્યાંની મુલાકાત લઈ શકે છે, જે સૂચવે છે કે વાટાઘાટો નિર્ણાયક તબક્કાની નજીક પહોંચી રહી છે.

પરમાણુ પ્રતિબંધો પર ભાર

અમેરિકી રાષ્ટ્રપતિએ દોહરાવ્યું કે કોઈપણ સમજૂતીમાં એ સુનિશ્ચિત થવું જોઈએ કે ઈરાન કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર મેળવી ન શકે. તેમણે યુરેનિયમ સંવર્ધન પર સમયમર્યાદા સાથેના રોક લગાવવાના વિચારને ફગાવી દીધો અને એ વાત પર ભાર મૂક્યો કે પ્રતિબંધો કાયમી હોવા જોઈએ.ટ્રમ્પે કહ્યું કે સૌથી મહત્વની બાબત જે અમારે કરવાની છે તે એ સુનિશ્ચિત કરવાની છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોય, અને ચેતવણી આપી કે જો આ લક્ષ્ય હાંસલ નહીં થાય તો ગંભીર વૈશ્વિક પરિણામો આવશે. તેમણે એવો પણ દાવો કર્યો કે ઈરાને આ શરતો પર ખૂબ જ દ્રઢતાથી સહમતિ દર્શાવી છે.

હજુ અંતિમ સમજૂતીથી ઘણું દૂર

સાથે જ, ટ્રમ્પે કહ્યું કે તાજેતરની વાટાઘાટોમાં તેહરાન અગાઉના તબક્કાની સરખામણીમાં વધુ લવચીક દેખાયું, જે અઠવાડિયાના સૈન્ય તણાવ પછી તેના વલણમાં આવેલા બદલાવનો સંકેત છે. આ દાવાઓ છતાં, ઈરાની સૂત્રોએ સંકેત આપ્યો કે વાટાઘાટો હજુ પણ અધૂરી છે અને અંતિમ સમજૂતીથી ઘણી દૂર છે. પરમાણુ સામગ્રી હસ્તાંતરણ સહિતના મુખ્ય મુદ્દાઓ પર કોઈ નક્કર પ્રગતિ થઈ નથી અને સૂચવ્યું કે વોશિંગ્ટનના નિવેદનો સમય પહેલાના હોઈ શકે છે.સૂત્રોએ એ વાત પર પણ ભાર મૂક્યો કે ઈરાનનું વલણ શરતી છે, અને કોઈ પણ પ્રગતિ અમેરિકા અને તેહરાન દ્વારા નિર્ધારિત શરતોને પૂર્ણ કરવા પર નિર્ભર છે, જોકે તે શરતોની જાણકારી જાહેર કરવામાં આવી નથી.

નાજુક રાજદ્વારી સમય

વિરોધાભાસી નિવેદનોથી બંને દેશો વચ્ચેની મુત્સદ્દીગીરીની નાજુક સ્થિતિ છતી થાય છે. જ્યાં વોશિંગ્ટને સંભવિત સફળતા અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે, ત્યાં તેહરાનની પ્રતિક્રિયા દર્શાવે છે કે મુખ્ય મતભેદો હજુ પણ વણઉકેલાયેલા છે.

આ પણ વાંચો: USA-Iran વચ્ચે સોમવારે ઈસ્લામાબાદમાં બીજી બેઠક, ડોનાલ્ડ ટ્રમ્પે સમજૂતીની આશા વ્યક્ત કરી

  • Follow us on: