અમેરિકામાં ગન કલ્ચર અને ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં એક બહુમાળી એપાર્ટમેન્ટ ટાવરમાં ગોળીબારની અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. આ અંધાધૂંધ ગોળીબારમાં બે નિર્દોષ લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ પોલીસ અધિકારીઓ સહિત કુલ સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનામાં શંકાસ્પદ બંદૂકધારી પણ મૃત હાલતમાં મળી આવ્યો છે, જોકે તેના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

911 કોલ મળતા જ પોલીસ ત્રાટકી

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક સમય મુજબ સાંજે ૪:૩૦ વાગ્યા પછી પોલીસને 911 પર એપાર્ટમેન્ટમાં ગોળીબાર થવાની સૂચના મળી હતી. આ કટોકટીભરી માહિતી મળતાની સાથે જ પોલીસ સાર્જન્ટ ગેરેટ પાર્ટેનના જણાવ્યા મુજબ, માત્ર ત્રણ મિનિટની અંદર જ પોલીસ અધિકારીઓ બહુમાળી ઇમારતમાં પહોંચી ગયા હતા. ઇમારતમાં પ્રવેશતા જ પોલીસને લોહીથી લથપથ પીડિતો મળી આવ્યા હતા.

અધિકારીને પગમાં વાગી હતી ગોળી

ઉપરના માળેથી વધુ ગોળીબારનો અવાજ આવતા અધિકારીઓ તુરંત ઉપર તરફ આગળ વધ્યા હતા. ઉપરના માળે ભારે ધુમાડો અને ધુમ્મસ હોવાને કારણે દ્રશ્યતા (વિઝિબિલિટી) ખૂબ જ ઓછી હતી, છતાં પોલીસ જવાનોએ પોતાની જાનના જોખમે કાર્યવાહી ચાલુ રાખી હતી. આ દરમિયાન એક અધિકારીના પગમાં ગોળી વાગી હતી, જ્યારે બીજા અધિકારીની હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી છે. ત્રીજા ઈજાગ્રસ્ત અધિકારી વિશે હાલ વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.

ઘાયલોની સારવાર અને ગવર્નરની પ્રતિક્રિયા

હેનેપિન કાઉન્ટી મેડિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ગોળીબારની આ ઘટના બાદ હોસ્પિટલમાં કુલ સાત દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘાયલ પોલીસ અધિકારીઓની હાલત સ્થિર છે અને તેઓ જોખમમુક્ત હોવાનું મનાય છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ભારે સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ મિનિયાપોલિસ કન્વેન્શન સેન્ટર નજીક આવેલા એપાર્ટમેન્ટ ટાવરને ઘેરીને રાઇફલ તાકીને ઊભેલા નજરે પડ્યા હતા. પ્રશાસન દ્વારા નાગરિકોને લોરિંગ પાર્ક વિસ્તારથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.

ગવર્નર ટિમ વોલ્ઝે ઊંડી ચિંતા વ્યક્ત કરી 

આ ગંભીર ઘટના અંગે મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યની એજન્સીઓ સ્થાનિક પોલીસને સંપૂર્ણ મદદ કરી રહી છે અને ડાઉનટાઉનમાં સુરક્ષા સુનિશ્ચિત કરનાર સુરક્ષાકર્મીઓનો આભાર વ્યક્ત કરી જવાનો માટે પ્રાર્થના કરી છે.

આ પણ વાંચોઃ Janmashtami 2026:શું ભગવાન કૃષ્ણે ખરેખર 16,108 લગ્ન કર્યા હતા? જાણો તેની પાછળનું સાચું રહસ્ય