મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષે હવે વિશ્વભરમાં ચિંતા જગાવી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓના સાતમા દિવસે પરિસ્થિતિ વધુ વણસી છે. આ ગંભીર વાતાવરણ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વ્હાઇટ હાઉસની પ્રતિષ્ઠિત ઓવલ ઓફિસમાં પાદરીઓ સાથે પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે.

ઓવલ ઓફિસમાં પ્રાર્થનાનો નજારો

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાની ખુરશી પર ગંભીર મુદ્રામાં બેઠા છે અને તેમની આંખો બંધ છે. તેમની આસપાસ અમેરિકાના ખ્યાતનામ પાદરીઓ અને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સહાયકો હાજર છે. એક પાદરીએ ટ્રમ્પનો હાથ પકડી રાખ્યો છે અને તેમના ખભા પર હાથ મૂકીને ખ્રિસ્તી પરંપરા મુજબ પ્રાર્થના કરી રહ્યા છે. આ દ્રશ્ય અમેરિકા માટે યુદ્ધના સમયમાં આધ્યાત્મિક શક્તિ અને શાંતિની શોધનું પ્રતીક બની ગયું છે.

https://twitter.com/Scavino47/status/2029661050174328878

યુદ્ધની ગંભીર સ્થિતિ અને અમેરિકાની ભૂમિકા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના આ સંઘર્ષમાં અમેરિકા સીધી રીતે જોડાયેલું છે. અમેરિકાએ ઈઝરાયેલને પોતાનો ટેકો જાહેર કર્યો છે, જેના વળતા પ્રહારમાં ઈરાને ખાડી દેશોમાં આવેલા યુએસ લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલાઓમાં અમેરિકાને પણ નોંધપાત્ર નુકસાન વેઠવું પડ્યું છે. આ મુશ્કેલ સમયમાં, જ્યારે આખું વિશ્વ શાંતિની અપીલ કરી રહ્યું છે, ત્યારે ટ્રમ્પે દેશના રક્ષણ માટે ભગવાનનો આશરો લીધો છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

આ વીડિયો વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનો દ્વારા "God Bless America" ના કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પે ખાસ કરીને દેશના પાદરીઓને પ્રાર્થના માટે આમંત્રિત કર્યા હતા. આ વીડિયોએ વિશ્વભરમાં ચર્ચા જગાવી છે—કેટલાક લોકો તેને ટ્રમ્પની શ્રદ્ધા તરીકે જોઈ રહ્યા છે, તો કેટલાક તેને યુદ્ધની ગંભીરતાના સંકેત તરીકે જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Indigoએ એડવાઇઝરી કરી જાહેર, મિડલ ઇસ્ટ માટે 17 ફ્લાઇટ્સ ચલાવશે ઇન્ડિગો