અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે, તેઓએ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યુ છે. રશિયા અને યુક્રેન વચ્ચે કરાર કરવા માટે આવેલા ટ્રમ્પને અચાનક 'ઓપરેશન સિંદૂર' યાદ આવ્યું હતુ. અને તેઓએ યુરોપિયન નેતાઓની હાજરીમાં ઝેલેન્સકી પર રશિયા સાથે કરાર કરવા માટે દબાણ કરવા આ બેઠક બોલાવી હતી.
ફરી યાદ આવ્યુ યુદ્ધવિરામ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથેની મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન, યુદ્ધ અને કરારો વિશે વાત કરતી વખતે, તેઓ સીધા ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી મુકાબલા ટિપ્પણી શરૂ કરી હતી. અગાઉ અનેક વખત તેઓએ દાવો કર્યો છે કે જો તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે ન આવ્યા હોત, તો મે મહિનામાં થયેલ લશ્કરી મુકાબલો પરમાણુ યુદ્ધમાં સમાપ્ત થયો હોત. પત્રકારો સાથે વાત કરતી વખતે, ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે તેઓ માને છે કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવો સૌથી સરળ હશે. પરંતુ એવું નથી. ટ્રમ્પે કહ્યું કે આ એક મુશ્કેલ બાબત છે અને અમે લાંબા સમયથી તેના વિશે વાતચીત કરી રહ્યા છીએ.
શાંતિ પુરસ્કાર મેળવવા માટે ધમપછાડા
ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાને સાથે મળીને વિશ્વ સમક્ષ આ વાર્તા રજૂ કરી છે કે ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષને સમાપ્ત કરવામાં અમેરિકન રાષ્ટ્રપતિની મુખ્ય ભૂમિકા છે. જોકે, ભારતે હંમેશા આ વાતનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે યુદ્ધવિરામ બંને દેશો વચ્ચેની પરસ્પર વાતચીતને કારણે થયો છે, તેમાં કોઈ ત્રીજા પક્ષે ભૂમિકા ભજવી નથી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળની સેવા આપી રહ્યા છે. આ પછી, તેઓ યુએસ બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. આવી સ્થિતિમાં, ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માંગે છે. જે વિશ્વનો સર્વોચ્ચ નાગરિક સન્માન માનવામાં આવે છે.