અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નવા કાર્યકાળમાં અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ ઇમિગ્રન્ટ્સ અંગે કડક નીતિઓ અપનાવી હતી. તેમણે અમેરિકામાં સ્થાયી થવાનું સ્વપ્ન જોનારા અન્ય દેશોના લોકોને પાછા મોકલવાની યોજના બનાવી હતી. જેના કારણે, અમેરિકામાં ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 50 વર્ષમાં પહેલી વાર, અમેરિકામાં ઇમિગ્રન્ટ વસ્તીમાં ઘટાડો નોંધાયો છે.

6 મહિનામાં 14 લાખ લોકોને ભગાડ્યા

ડોનાલ્ડ ટ્રમ્પની કડક નીતિને કારણે, અમેરિકામાં સ્થાયી થવાનું સ્વપ્ન જોનારા લોકો હવે પોતાના વતન પાછા ફરી રહ્યા છે. પ્યુ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, ૫૦ વર્ષમાં પહેલી વાર ઇમિગ્રન્ટ વસ્તીમાં આટલો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2025માં આ રેકોર્ડ 53.3 મિલિયન એટલે કે 5.3 કરોડથી વધુ હતો. પરંતુ જૂન સુધીમાં આ સંખ્યા ઘટીને લગભગ 51.9 મિલિયન એટલે કે 5.2 કરોડ થઈ ગઈ છે. જેમાં 14 લાખનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા પાછળ મુખ્ય કારણ ટ્રમ્પ વહીવટીતંત્રના કડક નિયમો જવાબદાર છે. જેમાં 181 એક્ઝિક્યુટિવ ઓર્ડર, મોટા પાયે દેશનિકાલ, વિઝા અને આશ્રય નીતિઓમાં ફેરફારનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, લગભગ 750,000 ઇમિગ્રન્ટ કામદારોએ અમેરિકન શ્રમ દળ છોડી દીધું હતું અને હવે તેમનો હિસ્સો ઘટીને 19 ટકા થઈ ગયો છે.

મોટી સંખ્યામાં ભારતીયો પણ ફર્યા પરત

1.6 મિલિયન ઇમિગ્રન્ટ્સે દેશ છોડી દીધો હતો. તેમાંથી કેટલાક સ્વેચ્છાએ ગયા હતા અને કેટલાકને દેશનિકાલની કાર્યવાહી હેઠળ મોકલવામાં આવ્યા હતા. ફક્ત એપ્રિલથી જૂનના સમયગાળામાં, ICEએ 3,59,000થી વધુ ધરપકડ કરી હતી અને 3,32,000 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બધા વિઝા ધારકોનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં જો કોઈ પણ પ્રકારનો અવરોધ અથવા શરતોનું ઉલ્લંઘન જોવા મળશે, તો વિઝા રદ કરવામાં આવશે. ગ્રીન કાર્ડ માટે દાખલ કરાયેલી કુટુંબ આધારિત અરજીઓ પણ દસ્તાવેજોના અભાવે અથવા કોઈપણ પ્રકારની ભૂલને કારણે સીધી રીતે નકારી કાઢવામાં આવી રહી છે. આ નીતિ કૃષિ જેવા ક્ષેત્રોમાં કામદારોની અછત તરફ દોરી રહી છે. જેના કારણે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. કેલિફોર્નિયામાં ICEના દરોડાને કારણે કૃષિ ક્ષેત્રમાં કામદારોનું 20 થી 40 ટકા નુકસાન થયું છે. જેના કારણે ફળો અને શાકભાજીના ભાવમાં વધારો થયો છે.