વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે સમગ્ર દેશને ઊંડા સંકટમાં ધકેલી દીધો છે. આ કુદરતી આફતમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. પરંતુ આ ભયાનક તબાહી  વચ્ચે એક ચમત્કાર જોવા મળ્યો. કાળની ચીસો વચ્ચે જિંદગીની જીત થઈ હોય તેવા કેટલાક અદ્ભુત અને હૃદયસ્પર્શી કિસ્સાઓ સામે આવ્યા છે, જેણે ભારે આશા જગાવી છે. બુધવારના દિવસે વેનેઝુએલામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી વચ્ચે કુદરતનો કરિશ્મો જોવા મળ્યો. ભૂકંપના કાટમાળથી નવજાત શિશુ, મહિલાઓ અને શ્વાનનો અદ્ભૂત બચાવ થયો. આ ભયંકર ઘટના અને બચાવ કાર્યના વીડિયો આપણા હૃદયને હચમચાવી નાખે છે.


ભૂકંપના કાટમાળમાંથી નવજાત શિશુનો આશ્ચર્યજનક બચાવ

બચાવ કામગીરી દરમિયાન સૌથી ભાવનાત્મક ક્ષણ ત્યારે આવી જ્યારે ધરાશાયી થયેલી એક ઇમારતના કાટમાળ નીચેથી એક નવજાત બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું. આટલા લાંબા સમય સુધી કાટમાળ નીચે દબાયેલા રહેવા છતાં માસૂમ બાળકને એકપણ ઉઝરડો નહોતો આવ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બાળકને સહીસલામત જોઈને બચાવકર્તાઓ પણ પોતાની જાતને રોકી શક્યા નહોતા અને ખુશીના આંસુ સાથે રડતા જોવા મળ્યા હતા. આ ઘટના કોઈ મોટા ચમત્કારથી કમ નથી.

એક સદીનો સૌથી શક્તિશાળી ભૂકંપ: તબાહીના આંકડા

વેનેઝુએલામાં થોડી મિનિટોના અંતરે ૭.૨ અને ૭.૫ ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. આ આપત્તિને વેનેઝુએલાના ઇતિહાસમાં એક સદીનો સૌથી ભયાનક ભૂકંપ માનવામાં આવે છે. આ ભૂકંપમાં ૨૩૫ થી વધુ લોકોના મોત થયા. જયારે ૪,૩૦૦ થી વધુ લોકો ઘાયલ થવાનું અનુમાન છે. વિનાશકારી ભૂકંપમાં અસંખ્ય ઇમારતો જમીનદોસ્ત, હોસ્પિટલોને ભારે નુકસાન, વીજળી અને કોમ્યુનિકેશન સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.

લા ગુએરામાં યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન

ઉત્તરીય લા ગુએરા પ્રદેશ હાલમાં રાહત અને બચાવ કામગીરીનું મુખ્ય કેન્દ્ર છે. અહીં વેનેઝુએલાના બોલિવેરિયન રાષ્ટ્રીય પોલીસ કોર્પ્સ, સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક સ્વયંસેવકો કાટમાળ હટાવીને જિંદગીઓને શોધી રહ્યા છે. કલાકોની ભારે જહેમત બાદ બચાવ ટીમે અહીંથી એક ૧૨ વર્ષના છોકરાને અને અન્ય એક જગ્યાએથી ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકને પણ કાટમાળમાંથી જીવતો બહાર કાઢ્યો છે. આ ઉપરાંત, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિને પણ સુરક્ષિત બચાવી લેવાયા છે, જેનાથી રેસ્ક્યૂ ટીમનું મનોબળ ખૂબ વધી ગયું છે.

જ્યારે અબોલ જીવ પણ મોતને મ્હાત આપી બહાર આવ્યો

આ કુદરતી આફત વચ્ચે માત્ર માણસો જ નહીં, પરંતુ એક વફાદાર પાલતુ શ્વાન (કૂતરો) પણ મોત સામે જીતી ગયો. કલાકો સુધી કાટમાળ નીચે ફસાયેલા રહ્યા બાદ જ્યારે બચાવ ટીમે તેને બહાર કાઢ્યો, ત્યારે સોશિયલ મીડિયા પર તેનો વીડિયો જોઈ લોકો ભાવુક થઈ ગયા હતા.

વીડિયોમાં શ્વાન બહાર આવતાની સાથે જ પાણી પીતો અને બચાવકર્તાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. હાલમાં વેનેઝુએલામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને સેંકડો લોકો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે. મુશ્કેલીની આ ઘડીમાં રાહતકર્તાઓ દિવસ-રાત જોયા વગર એક-એક શ્વાસને બચાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે.


  • Follow us on: