બાંગ્લાદેશમાં યુવા નેતાની હત્યાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતના પડોશી દેશમાં રાજકીય ઉથલપાથલ ચરમસીમાએ છે. બાંગ્લાદેશમાં યુવા નેતા શરીફ ઉસ્માન હાદીનું મૃત્યુ થતાં સમગ્ર દેશમાં ફરી અરાજકતાનો માહોલ ફેલાયો છે. અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી છે અને તો કયાંક અખબારોના કાર્યાલયોને આગ ચાંપી દેવામાં આવી છે. દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારે લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે. કોણ છે આ શરીફ ઉસ્માન હાદી જેના બાદ ફાટી હિંસા.
કોણ છે યુવા નેતા શરીફ ઉસ્માન હાદી
અત્યારે બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે. શરીફ ઉસ્માનના મોત બાદ બાંગ્લાદેશમાં ઠેરઠેર હિંસા અને આગના બનાવો બન્યા. આ શખ્સનો આટલો બધો પ્રભાવ છે તે ફક્ત 32 વર્ષનો યુવાન નેતા છે. ઢાકા યુનિવર્સિટીમાં આ 32 વર્ષીય શરીફ ઉસ્માન હાદીએ રાજકીય વિજ્ઞાનમાં અભ્યાસ કર્યો. હાદીનો જન્મ ઝાલાકાઠી જિલ્લામાં થયો હતો અને તેમના પિતા મદરેસા શિક્ષક હતા. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. જુલાઈમાં થયેલા વિરોધ પ્રદર્શનો પછી તેઓ પ્રસિદ્ધિમાં આવ્યા હતા, જ્યાં તેમણે બાંગ્લાદેશ સેના અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) વિરુદ્ધ બોલ્યા હતા. જુલાઈ બળવાની સફળતા બાદ, હાદી અને તેમના સાથીઓએ ઇન્કલાબ મંચની રચના કરી.
