“પૈસા જ બધું નથી” — આ વાક્ય આપણે ઘણી વાર સાંભળીએ છીએ, પરંતુ વાસ્તવિક જીવનમાં તેને સ્વીકારવું સહેલું નથી. ખાસ કરીને ત્યારે, જ્યારે તમારી પાસે હાઇ-પ્રોફાઇલ નોકરી, મોટી કંપનીનું નામ અને લાખોનો પગાર હોય. અમેરિકામાં રહેતી ટિયા લીની વાર્તા આજની યુવા પેઢી માટે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે — પૈસા વધુ મહત્વના કે સ્વાસ્થ્ય?
સમ્રગ ઘટના
ટિયા લીએ 2020માં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેનું એકમાત્ર લક્ષ્ય હતું — શક્ય તેટલા ઝડપથી વધારે પૈસા કમાવા. આ વિચાર સાથે તેણે પોતાની કારકિર્દી શરૂ કરી અને થોડા જ સમયમાં તે કેલિફોર્નિયામાં ગૂગલ જેવી મોટી કંપનીમાં ટેકનિકલ પ્રોગ્રામ મેનેજર બની ગઈ.
પરંતુ અહીં જ વાર્તાનો વળાંક આવે છે.
2023ના અંત સુધીમાં ટિયા એક નહીં, બે નહીં પરંતુ ત્રણ ભૂમિકાઓ ભજવી રહી હતી. એક તરફ ગૂગલમાં પૂર્ણ સમયની નોકરી, બીજી તરફ ફ્રીલાન્સ વેબસાઇટ ડિઝાઇનિંગ અને સાથે પોતાની કપડાંની લાઇન. કામ, મુસાફરી અને જવાબદારીઓ વચ્ચે તેનું જીવન એક સતત દોડ બની ગયું હતું.
દર બે મહિને બીમાર
કેલિફોર્નિયા, મિશિગન અને ટેક્સાસ વચ્ચે સતત મુસાફરી કરતી ટિયા દર બે મહિને બીમાર પડવા લાગી. શરૂઆતમાં તેણે આને મુસાફરીનો થાક માનીને અવગણ્યું. પરંતુ જ્યારે બીમારી સતત ચાલુ રહી, ત્યારે ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું — આ બધું તણાવ (Stress)નું પરિણામ છે. આ એ ટિયાને વિચારવા મજબૂર કરી. તેણે સમજ્યું કે સફળતાની દોડમાં તે પોતાના સ્વાસ્થ્યને સંપૂર્ણ રીતે અવગણી રહી છે. ત્યારબાદ તેણે એક મોટો અને સાહસિક નિર્ણય લીધો — પોતાની કારકિર્દીને વિરામ આપવાનો.
સરળ બનાવવા માટે ઘણા ફેરફારો
ટિયાએ પોતાના જીવનને સરળ બનાવવા માટે ઘણા ફેરફારો કર્યા. તેણે ફ્રીલાન્સ કામ ઘટાડ્યું, ખર્ચ કાપ્યા અને પૂરતી બચત કરીને નોકરી વગર થોડો સમય જીવવાનો નિર્ણય લીધો. તે મિશિગનમાં તેના માતા-પિતાના ઘરે પાછી ગઈ. તેણે પોતાની મોંઘી ટેસ્લા કાર વેચી અને ખર્ચ ઘટાડવા માટે સસ્તી શેવરોલે ખરીદી.
આ છે સાચી સફળતા
આટલું જ નહીં, તેણે એક રસોઇયા સાથે અનોખો સોદો કર્યો — તે રસોઇયાની વેબસાઇટ બનાવશે અને બદલેમાં સાપ્તાહિક ભોજન મળશે. આથી તેનો કરિયાણાનો ખર્ચ પણ ઓછો થયો. આ બધાં બદલાવોએ ટિયાની સફળતાની વ્યાખ્યા બદલી નાખી. જ્યાં પહેલાં સફળતા એટલે પૈસા, પ્રમોશન અને માન્યતા, ત્યાં હવે સફળતા એટલે સ્વસ્થ શરીર, મનની શાંતિ અને પોતાના સમય પર નિયંત્રણ.
કોર્પોરેટ જગતમાં પાછા
નોકરી છોડ્યા બાદ ટિયા ન્યૂ યોર્કના બ્રુકલિનમાં રહેવા ગઈ, જ્યાં તે ધીમી, સંતુલિત અને સ્વસ્થ જીવનશૈલી જીવી રહી છે. હાલમાં તેને કોર્પોરેટ જગતમાં પાછા ફરવાની કોઈ ઉતાવળ નથી. ટિયા લીની વાર્તા આપણને શીખવે છે કે જીવન માત્ર દોડ નથી. પૈસા જરૂરી છે, પરંતુ સ્વાસ્થ્ય વગર તે બિનઅર્થક છે.
આ પણ વાંચો : Good news : સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! જાન્યુઆરીથી DA 63% થવાની શક્યતા