લંડનમાં તાજેતરમાં એક અનોખી અને મનોરંજક ઘટના બની, જેણે સ્થાનિક લોકો સાથે-સાથ પ્રવાસીઓનું પણ ધ્યાન ખેંચ્યું. લંડન મેટ્રોમાં સેંકડો પુરુષો અને સ્ત્રીઓ પેન્ટ વગર, ફક્ત અન્ડરવેર પહેરીને સબવેમાં સવારી કરતા જોવા મળ્યા. પ્રથમ નજરે આ દૃશ્ય અજીબ લાગ્યું, પરંતુ આ કોઈ ભૂલ કે વિરોધ પ્રદર્શન નહોતું. આ એક જાણીતી વાર્ષિક ઇવેન્ટ હતી, જેને “નો ટ્રાઉઝર્સ ટ્યુબ રાઈડ” કહેવામાં આવે છે.
થોડું હસાવવું અને ખુશી ફેલાવવી
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મનોરંજન છે. શિયાળાની ઠંડી અને દૈનિક જીવનની તણાવભરી દોડમાં લોકોને થોડું હસાવવું અને ખુશી ફેલાવવી—એ જ આ ઇવેન્ટની વિચારધારા છે. ભાગ લેનારા લોકો ઉપરના ભાગમાં કોટ, જેકેટ અથવા સ્વેટર પહેરે છે, પરંતુ નીચે ફક્ત અન્ડરવેર હોય છે. તેઓ સામાન્ય મુસાફરોની જેમ જ ટ્રેનમાં બેસે છે, જાણે કંઈ ખાસ થયું જ નથી.
સૌપ્રથમ 2002માં શરૂ થઇ હતી
આ અનોખી પરંપરા સૌપ્રથમ 2002માં ન્યૂ યોર્કમાં શરૂ થઈ હતી. ત્યાંથી આ વિચાર દુનિયાના અનેક શહેરોમાં ફેલાયો. આજે બર્લિન, પ્રાગ, વોશિંગ્ટન ડીસી અને લંડન જેવા શહેરોમાં આ ઇવેન્ટ દર વર્ષે યોજાય છે. લંડનમાં આ કાર્યક્રમ પહેલી વાર 2009માં યોજાયો હતો અને ત્યારથી તે નિયમિત બની ગયો છે.
રાજકીય કે સામાજિક સંદેશો નથી
ઇવેન્ટના આયોજક મુજબ, આ કાર્યક્રમ પાછળ કોઈ રાજકીય કે સામાજિક સંદેશો નથી. તેમણે કહ્યું હતું કે આજના સમયમાં જ્યારે લોકો સતત નકારાત્મક સમાચારોથી ઘેરાયેલા છે, ત્યારે ફક્ત મજા માટે કંઈક કરવું પણ જરૂરી છે. લંડનમાં ભાગ લેનારા લોકો પહેલા ચાઇનાટાઉનમાં ભેગા થયા, ત્યારબાદ પિકાડિલી સર્કસ અંડરગ્રાઉન્ડ સ્ટેશનથી ટ્રેનમાં ચઢ્યા.
ઘણા પ્રવાસીઓ આશ્ચર્યમાં
આ દૃશ્ય જોઈને ઘણા પ્રવાસીઓ આશ્ચર્યમાં પડી ગયા. કેટલાકે હસતાં હસતાં સેલ્ફી લીધી, તો કેટલાકે આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી. વિવિધ ઉંમર અને પૃષ્ઠભૂમિના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. વકીલ બેસિલ લોંગ ગુલાબી રંગના અન્ડરવેરમાં જોવા મળ્યા. તેમણે કહ્યું કે તેમણે આ ઇવેન્ટ વિશે ઓનલાઈન વાંચ્યું અને વિચાર્યું કે એક વખત અજમાવી જોવું જોઈએ. આ રીતે “નો ટ્રાઉઝર્સ ટ્યુબ રાઈડ” માત્ર એક અજીબ ઘટના નથી, પરંતુ લોકોને એક ક્ષણ માટે રોજિંદી ચિંતા ભૂલાવી હસાવવાનો અનોખો પ્રયાસ છે.
આ પણ વાંચો :