પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ ફરી વધુ પ્રજ્વલિત થઈ રહી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ભયાનક સ્તરે પહોંચી ગયો છે. તાજેતરમાં દક્ષિણ લેબનોનમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં હિઝબુલ્લાહના આત્મઘાતી FPV (ફર્સ્ટ પર્સન વ્યૂ) ડ્રોને ઇઝરાયલી સૈનિકોના કાફલાને નિશાન બનાવ્યો હતો.

હાજર સૈનિકોમાં ગભરાટ અને બૂમાબૂમ મચી

આ હુમલો ત્યારે થયો જ્યારે ઇઝરાયલી સૈનિકો દક્ષિણ લેબનોનમાં તેમના ઘાયલ સાથીઓને તબીબી સહાય પૂરી પાડવા અને તેમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી (CASEVAC) કરી રહ્યા હતા. જ્યારે સૈનિકો ઘાયલોને હેલિકોપ્ટરમાં ચઢાવી રહ્યા હતા, ત્યારે અચાનક હિઝબુલ્લાહના ડ્રોન આસમાનમાંથી મોત બનીને ત્રાટક્યા હતા. વાયરલ થયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે ડ્રોન સૈનિકો અને હેલિકોપ્ટરની ખૂબ જ નજીકથી પસાર થાય છે, જેના કારણે ત્યાં હાજર સૈનિકોમાં ગભરાટ અને બૂમાબૂમ મચી જાય છે.

https://twitter.com/clashreport/status/2048653828451361135

સદનસીબે લક્ષ્ય ચૂકી ગયું

હિઝબુલ્લાહે આ હુમલાને સફળ ગણાવ્યો છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જણાય છે. ઇઝરાયલી સૈનિકોએ સતર્કતા દાખવતા ડ્રોન પર તાબડતોબ ગોળીબાર શરૂ કર્યો હતો. આ દરમિયાન એક ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે બીજું ડ્રોન હેલિકોપ્ટરની એકદમ નજીક જમીન પર વિસ્ફોટ પામ્યું હતું. ઇઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડ્રોન તેનું મુખ્ય લક્ષ્ય ચૂકી ગયું હતું. જો વિસ્ફોટ થોડો પણ નજીક થયો હોત, તો તે ઇઝરાયલી હેલિકોપ્ટર અને સૈનિકો માટે વિનાશક સાબિત થઈ શક્યો હોત.

FPV ડ્રોન: યુદ્ધનું નવું પાસું

યુક્રેન-રશિયા યુદ્ધની જેમ હવે મધ્ય પૂર્વમાં પણ FPV ડ્રોન પ્રાથમિક હથિયાર બની ગયા છે. આ ડ્રોન કદમાં નાના અને સસ્તા હોવા છતાં અત્યંત ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. હિઝબુલ્લાહ હવે રોકેટના બદલે આ ડ્રોનનો ઉપયોગ ઇઝરાયલી ટેન્કો, સૈનિકોના વાહનો અને ચેકપોસ્ટને તોડવા માટે કરી રહ્યું છે. આ ડ્રોન રડારમાં પકડાવા મુશ્કેલ હોય છે, જે IDF માટે ચિંતાનો વિષય બન્યો છે.