વર્ષ 2025ને યુદ્ધનું વર્ષ માનવામાં આવી રહ્યું છે. તેનું એકમાત્ર કારણ એ છે કે, 7 મહિનામાં દુનિયાએ ત્રણ મોટા યુદ્ધો જોયા છે. પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયો ત્યાર બાદ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું. હવે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. ગુરુવારે સવારે સમાચાર આવ્યા હતા કે, બંને દેશોની સેનાઓ એકબીજા પર મોટા હુમલા કરી રહી છે. કંબોડિયાએ થાઈલેન્ડના સરહદી વિસ્તારોમાં રોકેટ છોડ્યા જ્યારે થાઈ વાયુસેનાએ કંબોડિયાના લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે.
યુદ્ધ પાછળનું કારણ શું?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ઉત્તર કંબોડિયા અને થાઈલેન્ડની સરહદ પર લડાઈ ચાલી રહી છે. ખાસ કરીને થાઈલેન્ડના સુરિન અને સિસાકેટ રાજ્યોમાં યુદ્ધ વધુ તીવ્ર બનતું જાય છે. આ યુદ્ધનું વાસ્તવિક કારણ એક વિવાદિત વિસ્તાર છે જે હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે. ગુરુવારે સવારે થાઈ સરહદ પર કંબોડિયાના ડ્રોનની હાજરીથી યુદ્ધ શરૂ થયું. આ વિવાદ અચાનક બંને દેશો વચ્ચે યુદ્ધનું કારણ બની ગયો હતો.
વિવાદનું કારણ બનેલું શિવ મંદિર ક્યાં?
11મી સદીનું પ્રેહ વિહાર મંદિર થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધનું કારણ બન્યું છે. આ મંદિર કંબોડિયાના પ્રેહ વિહાર પ્રાંત અને થાઈલેન્ડના સિસાકેટ પ્રાંતની સરહદ પર આવેલું છે. 1962માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ)એ ચુકાદો આપ્યો કે આ મંદિર કંબોડિયાનું છે પરંતુ બંને દેશો આસપાસના 4.6 ચોરસ કિલોમીટર જમીનનો દાવો કરે છે. થાઈલેન્ડ તેને પોતાની ભૂમિ માને છે જ્યારે કંબોડિયા પણ તેને પોતાનો ભાગ કહે છે. આ મંદિર 11મી સદીમાં ખ્મેર સમ્રાટ સૂર્યવર્મન દ્વારા ભગવાન શિવ માટે બનાવવામાં આવ્યું હતું. સમય જતાં આ મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર જ નહીં પણ રાષ્ટ્રવાદ, રાજકારણ અને લશ્કરી શક્તિનું પ્રતીક પણ બની ગયું છે. મંદિરમાં શિવલિંગ અને ભગવાન શિવનો દ્વારપાલ પણ છે.
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે હુમલાઓ....
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે નાના હથિયારો અને તોપખાનાનો ગોળીબાર, રોકેટ હુમલા અને હવાઈ હુમલા થયા. ગુરુવારે સવારે અથડામણ શરૂ થતાં થાઈલેન્ડ ગ્રામજનો તેમના ઘર છોડીને ભાગી રહ્યા હોવાનું એક વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે. થાઇ રક્ષા મંત્રાલયના પ્રવક્તા સુરસાંત કોંગસિરીએ જણાવ્યું હતું કે સરહદ પર ઓછામાં ઓછા 6 વિસ્તારોમાં અથડામણો ચાલુ છે. બુધવારે સરહદ પર લેન્ડમાઇન વિસ્ફોટમાં 5 થાઈલેન્ડ સૈનિકો ઘાયલ થયા બાદ આ અથડામણો શરૂ થઈ હતી અને બેંગકોકને કંબોડિયામાં તેના રાજદૂતને પાછા બોલાવવા અને કંબોડિયન રાજદૂતને હાંકી કાઢવા પડ્યા હતા. થાઈલેન્ડે તમામ જમીન સરહદ ચોકીઓ પણ સીલ કરી દીધી છે તેના નાગરિકોને કંબોડિયા છોડવા વિનંતી કરી છે.