અમેરિકા અને ચીન વચ્ચે ચાલતું ટેકનોલોજી યુદ્ધ વધુ તેજ બન્યું છે. અમેરિકાએ વિદેશી ડેટા સેન્ટરો મારફતે ચીનની એઆઇ ટેકનોલોજી સુધીની પહોંચ અટકાવવા પાંચ દેશોમાં અદ્યતન ચિપ નિકાસ પર કડક નિયંત્રણો લાદ્યા છે. આ આકરા પગલાં વચ્ચે નિયમનકારી દબાણ વધતાં એનવીડિયાના શેરમાં તીવ્ર કડાકો નોંધાયો છે, જેનાથી વૈશ્વિક સ્તરે મોટો પ્રભાવ પડશે.

નિકાસ લાઇસન્સિંગ પ્રક્રિયા ફરજિયાત બનાવી 

યુએસ બ્યુરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યોરિટીએ મલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને બ્રાઝિલ ખાતે અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ્સ મોકલવા માટે નિકાસ લાઇસન્સિંગ પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. 

ચીની કંપનીઓ અમેરિકન ચિપ્સ સીધી ખરીદી શકતી નથી

ચીની કંપનીઓ અમેરિકન ચિપ્સ સીધી ખરીદી શકતી ન હોવા છતાં વિદેશી ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટર દ્વારા ક્ષમતા મેળવી રહી હતી. પ્રતિબંધો અમલમાં આવ્યા પછી પણ અંદાજે 2,40,000 જેટલી એનવીડિયા એઆઇ ચિપ્સ ચીન પહોંચી હોવાનું મનાય છે. આ ઉપરાંત સિંગાપોરની મેગાસ્પીડ કંપની અલીબાબા સહિતના અન્ય ચીની ગ્રાહકોને આશરે 86,000 ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ ભાડે આપી રહી હોવાનું સામે આવ્યું છે. 

પરોક્ષ ઉપયોગને રોકવા માટે વોશિંગ્ટને નવી જોગવાઈઓ લાગુ કરી 

આ પ્રકારના પરોક્ષ ઉપયોગને રોકવા માટે વોશિંગ્ટને નવી જોગવાઈઓ લાગુ કરી છે. આવા નવા નિયંત્રણો વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનને નવો આકાર આપી શકે છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોકાણની ટકાઉક્ષમતા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.

એનવીડિયા કંપની પર ભારે નિયમનકારી દબાણ ઊભું થયું

બીજી તરફ, અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા સંભવિત એકાઉન્ટિંગ મુદ્દાઓની તપાસના અહેવાલો વચ્ચે એનવીડિયા કંપની પર ભારે નિયમનકારી દબાણ ઊભું થયું છે. આ અહેવાલો બહાર આવ્યા પછી 20 નવેમ્બરે કંપનીના શેર 11.5% ગગડી ગયા હતા. એઆઇ ઇકોસિસ્ટમમાં કંપનીનું 61 અબજ ડોલરનું ઇક્વિટી રોકાણ તથા 164.5 અબજ ડોલરની લીઝ ગેરંટી અને ક્લાઉડ કેપેસિટી બેકસ્ટોપ સંકળાયેલા છે. 

એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણમાં મોટો અવરોધ

નિકાસ નિયંત્રણોથી દક્ષિણ-પૂર્વ એશિયામાં એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણમાં મોટો અવરોધ આવી શકે છે. ચિપ્સ પર નિર્ભર નાની ક્લાઉડ પ્રોવાઇડર કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની કોરવીવના શેરના ભાવમાં અગાઉથી 25% ઘટાડો નોંધાયો છે અને તેની બોન્ડ યીલ્ડ વધીને 15.7% થઈ છે.

આ વૈશ્વિક દબાણ સામે ચીનના પ્રયાસ 

આ વૈશ્વિક દબાણ સામે ચીને પોતાના સેમિકન્ડક્ટર ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે સ્થાનિક સપ્લાય ચેઇન વધુ મજબૂત કરવાની ગતિ તેજ બનાવી છે. ડિઝાઇનિંગ ક્ષેત્રે હાઇસિલિકોન, કેમ્બ્રિકોન અને લૂંગસન જેવી કંપનીઓ પોતાની ક્ષમતા દર્શાવી રહી છે, જ્યારે એસએમઆઇસી અને હુઆ હોંગ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કામ કરી રહી છે. સેમિકન્ડક્ટર સાધનો પૂરા પાડવામાં નૌરા અને એએમઇસી તેમજ મટિરિયલ્સ ક્ષેત્રમાં એનએસઆઇજી અને ઝોંગહુઆન કાર્યરત છે. વર્ષ 2025 સુધીમાં ચીનનું સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ માર્કેટ 49 અબજ ડોલર અને મટિરિયલ માર્કેટ 16 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આમ, વૈશ્વિક નિયંત્રણો ચીનને સ્થાનિક સ્તરે સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. 


આ પણ વાંચો :    Sugar Prices : ખાંડના ભાવમાં ભડકો, અનેક શહેરોમાં કિલોનો ભાવ રૂ. 70 સુધી પહોંચ્યો, સરકારનાં પગલાં છતાં ગ્રાહકોને રાહત નહીં