PNS Hunain: ઉત્તર અરબ સાગરમાં ભારતીય નૌસેના અને પાકિસ્તાન નૌસેનાના યુદ્ધજહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવ્યા બાદ પાકિસ્તાનના PNS Hunain (F-273)ની ચર્ચા શરૂ થઈ છે. PNS Hunain પાકિસ્તાન નૌસેનાનું Yarmook-ક્લાસ Offshore Patrol Vessel (OPV) છે.

ડચ કંપનીની ડિઝાઇન પર બન્યું જહાજ

પાકિસ્તાનના દાવા પ્રમાણે PNS Hunain આ ક્લાસનું ત્રીજું અને Batch-IIનું પ્રથમ જહાજ છે. તેને ડચ કંપની Damen Shipyardsની ડિઝાઇન પર રોમાનિયાના Galati Shipyardમાં બનાવવામાં આવ્યું છે. તેની લંબાઈ લગભગ 98 મીટર, પહોળાઈ 14.4 મીટર અને ડ્રાફ્ટ લગભગ 4 મીટર છે. તેનું વિસ્થાપન લગભગ 2,600 ટન છે અને તે 22થી 24 નોટની મહત્તમ ઝડપે દોડી શકે છે.

6,000 નોટિકલ માઈલની રેન્જ

PNS Hunainની રેન્જ લગભગ 6,000 નોટિકલ માઈલ છે. આ જહાજ દરિયામાં લગભગ 40 દિવસ સુધી ઓપરેશન કરી શકે છે. તેમાં લગભગ 60થી 100થી વધુ કર્મચારીઓ રહી શકે તેવી ક્ષમતા છે. તેના હથિયારોમાં 30 મિમી ગન, 12.7 મિમી મશીનગન અને સરફેસ-ટુ-સરફેસ મિસાઇલ લોન્ચર સામેલ છે.

હેલિકોપ્ટર અને UAV પણ ઓપરેટ કરી શકે

PNS Hunainને એક મલ્ટી-મિશન જહાજ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. તે હેલિકોપ્ટર, UAV અને બે RHIB બોટ્સ ઓપરેટ કરી શકે છે. અલગ-અલગ મિશન માટે તેમાં જરૂરી મોડ્યુલ લગાવી શકાય છે. Batch-IIના જહાજોમાં એર ડિફેન્સ ક્ષમતામાં પણ સુધારો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.

દરિયાઈ સુરક્ષા અને એન્ટી-પાયરસી માટે ઉપયોગ

PNS Hunainનો મુખ્ય ઉપયોગ દરિયાઈ સુરક્ષા, તટીય પેટ્રોલિંગ, EEZની દેખરેખ, સર્ચ એન્ડ રેસ્ક્યૂ, એન્ટી-પાયરસી અને માનવતાવાદી સહાયતા મિશન માટે થાય છે. આ જહાજને સપ્ટેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને જુલાઈ 2024માં પાકિસ્તાન નૌસેનામાં કમિશન કરવામાં આવ્યું હતું. તેનું બેઝ કરાચીમાં છે.

Yarmook-ક્લાસમાં કુલ 4 જહાજ

પાકિસ્તાન નૌસેનાના Yarmook-ક્લાસમાં કુલ ચાર જહાજ છે—PNS Yarmook, PNS Tabuk, PNS Hunain અને PNS Yamama. આ જહાજોનો મુખ્ય હેતુ પાકિસ્તાનની દરિયાઈ દેખરેખ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પેટ્રોલિંગ ક્ષમતાને વધારવાનો છે.

આ પણ વાંચો: Indian Navy વાઇસ ચીફ ઓસ્ટ્રેલિયા પ્રવાસે, વ્યૂહાત્મક રક્ષા ભાગીદારી પર મૂક્યો ભાર