કોંગો અને યુગાન્ડામાં ઘાતક ઇબોલા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે ત્યાંની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. યુગાન્ડામાં ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તાત્કાલિક અસરથી હેલ્થ ઇમરજન્સી (સ્વાસ્થ્ય કટોકટી) જાહેર કરી દીધી છે. WHO ના ચીફે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા વાયરસ જે ઝડપથી ફેલાઈ રહ્યો છે તે અત્યંત ચિંતાનો વિષય છે.
130 થી વધુ મોત, મોટા શહેરોમાં ફેલાયો વાયરસ
વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના સભ્યોને સંબોધિત કરતા WHO ના ડાયરેક્ટર-જનરલ ડો. ટેડ્રોસ અધાનમ ગેબ્રેયસસે જણાવ્યું કે, આ પ્રકોપને કારણે અત્યાર સુધીમાં 130 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 500 થી વધુ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે આ વાયરસ હવે માત્ર અંતરિયાળ વિસ્તારો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ કંપાલા, ગોમા અને બુર્નિયા જેવા ગીચ વસ્તીવાળા મોટા શહેરોમાં પણ ફેલાઈ રહ્યો છે. ગીચ વસ્તીવાળા શહેરોમાં ચેપ ફેલાવો એ મહામારીનું રૂપ લઈ શકે છે.
