કેરળના 16 વર્ષીય યુવા ટેક પ્રતિભાશાળી રાઉલ જોન અજુ ફરી એકવાર ચર્ચામાં છે. 'AI કિડ ઓફ ઈન્ડિયા' તરીકે જાણીતા રાઉલે રશિયાના મોસ્કોમાં યોજાયેલી 'AI જર્ની 2026' કોન્ફરન્સ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સેલ્ફી લીધી હતી. ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કરતાં રાઉલે લખ્યું કે 9 વર્ષની ઉંમરે બાથરૂમમાં પહેલો વીડિયો બનાવવાથી લઈને પુતિન સાથે ફોટો પડાવવા સુધીની સફર તેની કલ્પના બહાર હતી. વૈશ્વિક નિષ્ણાતોને મળીને તેને અહેસાસ થયો કે હજુ ઘણું શીખવાનું બાકી છે.
નાની ઉંમરે ટેકનોલોજી અને રોબોટિક્સની શરૂઆત
રાઉલની ટેક સફર ખૂબ નાની વયે શરૂ થઈ હતી. વીડિયો એડિટિંગથી શરૂ થયેલા રસને પિતાની Adobe માં નોકરી દરમિયાન મળેલા ડિજિટલ ટૂલ્સે વધુ વેગ આપ્યો, જેનાથી તે AI તરફ વળ્યો. 12 વર્ષની ઉંમરે શાળાના વિજ્ઞાન પ્રોજેક્ટ હેઠળ તેણે પહેલો રોબોટ 'MeBot' બનાવ્યો હતો. UN News સાથેની વાતચીતમાં તેણે પોતાની આ શરૂઆત અને ટેકનોલોજી પ્રત્યેના જુસ્સા વિશે જણાવ્યું હતું.
