દક્ષિણ અમેરિકાનો દેશ બોલિવિયા આ સમયે ઇતિહાસના સૌથી ભયાનક આંતરિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા 50 દિવસથી સતત ચાલી રહેલા સરકાર વિરોધી ઉગ્ર પ્રદર્શનો અને હિંસાને કારણે દેશની સ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ થઈ ગઈ છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાષ્ટ્રપતિ રોડ્રિગો પાઝે સમગ્ર દેશમાં 90 દિવસ માટે કટોકટી (ઇમરજન્સી) જાહેર કરી દીધી છે. આ સાથે જ રસ્તાઓ પરથી પ્રદર્શનકારીઓને હટાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સેનાને મેદાને ઉતારવામાં આવી છે.


શા માટે સળગ્યું બોલિવિયા?

આ આંદોલનની શરૂઆત સરકારના આર્થિક નિર્ણયો વિરુદ્ધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) સાથે ચાલી રહેલી વાતચીત, દેશની આર્થિક કટોકટી અને અમેરિકી ડોલરની અછતને કારણે સરકારે ફ્યુઅલ (ઇંધણ) પર મળતી સબસિડી નાબૂદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી દેશમાં મોંઘવારી આકાશે આંબી ગઈ. આ સાથે જ સરકારે નવા ભૂમિ સુધારા કાયદા હેઠળ જમીનને લોન માટે ગીરો રાખવાની મંજૂરી આપી, જેનાથી સામાન્ય લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. લોકોને ડર છે કે આ કાયદાથી મોટી કંપનીઓ ગરીબોની જમીનો પડાવી લેશે.

અન્ન અને દવાની ભારે અછત

પ્રદર્શનકારીઓએ દેશના મુખ્ય હાઇવે અને રસ્તાઓ પર મોટા પાયે બેરિકેડ્સ લગાવીને ચક્કાજામ કરી દીધો છે. જેના કારણે દેશભરમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓ, રાંધણ ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનરક્ષક દવાઓની સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. બજારોમાં અનાજ ખૂટી પડ્યું છે અને દેશમાં આજીવિકાનું સંકટ ઊભું થયું છે.

ભારે હિંસા અને જાનમાલનું નુકસાન

કોર્પોરેટ અને સરકારી નિર્ણયો સામે મજૂરો, ટ્રાન્સપોર્ટ કર્મચારીઓ, શિક્ષકો અને ગ્રામીણ સમુદાયો રસ્તા પર ઉતરી આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ઇવો મોરાલેસના સમર્થકો પણ આ આંદોલનને ટેકો આપી રહ્યા છે. અત્યાર સુધીમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસક ઝપાઝપીમાં 37થી વધુ લોકો ઘાયલ થયા છે અને 365 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રસ્તાઓ બંધ હોવાના કારણે સમયસર તબીબી સારવાર ન મળતા 17 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે.

રાષ્ટ્રપતિ રોડ્રિગો પાઝે જણાવ્યું છે કે સામાન્ય જનજીવનને પૂર્વવત કરવા માટે સેના અને બુલડોઝરની મદદથી રસ્તાઓ ખુલ્લા કરાવવામાં આવશે. જો કે, સરકારના કેટલાક નિર્ણયો પાછા ખેંચવા છતાં, પ્રદર્શનકારીઓ હવે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ પર અડી ગયા છે.

આ પણ વાંચો:Spainમાં PMની પત્ની પર ચાલશે ભ્રષ્ટાચારનો કેસ, કોર્ટે પાસપોર્ટ જપ્ત કરવા આપ્યો આદેશ

  • Follow us on: