ચીનનું એક એવું ડિજિટલ પ્લેટફોર્મ, જેને અમેરિકાએ વૈશ્વિક વેપાર માટે ચીનનું સંભવિત ‘સુપરવેપન’ ગણાવ્યું હતું, હવે લગભગ ગાયબ થઈ ગયું છે. આ પ્લેટફોર્મનું નામ LOGINK છે. તેનો હેતુ દુનિયાભરના બંદરો, કસ્ટમ્સ અને લોજિસ્ટિક્સ કંપનીઓના ડેટાને એક સિસ્ટમમાં જોડવાનો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય ભાગીદારી અટકવા, અમેરિકાના દબાણ અને ચીનમાં કાનૂની તથા નાણાકીય મુશ્કેલીઓ વધતાં LOGINKનું વૈશ્વિક વિસ્તરણ લગભગ ઠપ થઈ ગયું છે.
LOGINK શું હતું અને ચિંતા શા માટે હતી
LOGINKનું પૂરું નામ National Transportation and Logistics Public Information Platform છે. તેની શરૂઆત લગભગ 20 વર્ષ પહેલાં ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં સ્થાનિક સરકારના પ્રોજેક્ટ તરીકે થઈ હતી. હેતુ બંદરો, ટ્રકો અને અન્ય લોજિસ્ટિક્સ કંપનીઓ પાસેથી મળતી માહિતી એક જગ્યાએ લાવીને માલની હેરફેર સરળ બનાવવાનો હતો. પછી બેઇજિંગે આ પ્રોજેક્ટને સમર્થન આપ્યું અને ચીનના ટ્રાન્સપોર્ટ મંત્રાલય સાથે તેને જોડવામાં આવ્યો. LOGINKએ જાપાન અને દક્ષિણ કોરિયા સાથે કાર્ગો ડેટા શેરિંગ માટે કરાર કર્યા હતા. બાદમાં યુરોપના કેટલાક બંદરો સાથે પણ સહયોગની શક્યતાઓ શોધવામાં આવી હતી.
અમેરિકાને સૌથી મોટી ચિંતા એ હતી કે આ સિસ્ટમ દ્વારા ચીનને દુનિયાભરમાં કયો માલ ક્યાં જઈ રહ્યો છે, કેટલો માલ જઈ રહ્યો છે અને તેની કિંમત જેવી માહિતીનો ફાયદો મળી શકે. અમેરિકાના કેટલાક અધિકારીઓને એવી પણ આશંકા હતી કે કોમર્શિયલ શિપિંગ નેટવર્કનો ઉપયોગ કરીને સંવેદનશીલ સૈન્ય માલની હેરફેર પર પણ નજર રાખી શકાય.
અમેરિકાએ વિરોધ શરૂ કર્યો
2022થી અમેરિકાએ LOGINKના વૈશ્વિક વિસ્તરણ સામે જાહેરમાં અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. અમેરિકન અધિકારીઓ અને સાંસદોને આશંકા હતી કે ચીન આ પ્લેટફોર્મ દ્વારા વૈશ્વિક વેપારના મહત્વના ડેટા પર મોટી અસર મેળવી શકે છે. અમેરિકાએ LOGINK સાથે જોડાયેલી કંપનીઓને લઈને પ્રતિબંધો અને ચેતવણીઓ આપવાનું શરૂ કર્યું. અમેરિકાએ પોતાના સરકારી વિભાગો અને મહત્વના બંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં LOGINKના ઉપયોગ પર પણ રોક લગાવી અને સાથી દેશોને પણ સાવચેત રહેવા કહ્યું.
જોકે, જાપાન અને દક્ષિણ કોરિયાના અધિકારીઓએ Reutersને કહ્યું કે તેમની તરફથી શેર કરવામાં આવતો ડેટા મર્યાદિત હતો. તેમાં મુખ્યત્વે જહાજના આગમન-પ્રસ્થાનનો સમય અને માલ લોડ કે અનલોડ થવાની માહિતી સામેલ હતી.
2024 પછી LOGINKનું વૈશ્વિક નેટવર્ક તૂટવા લાગ્યું
LOGINK 2024માં International Port Community Systems Association એટલે કે IPCSAમાંથી બહાર થઈ ગયું. રિપોર્ટ મુજબ તેણે સભ્યપદની ફી ભરવાનું બંધ કરી દીધું હતું. આ સમયગાળામાં તેની વેબસાઇટ પણ બંધ થઈ ગઈ. જાપાન અને દક્ષિણ કોરિયા સાથેની તેની મહત્વની ડેટા-શેરિંગ વ્યવસ્થા પણ અટકી ગઈ. જાપાનના અધિકારીએ Reutersને કહ્યું કે ટોક્યોને LOGINKના ડેટાની ઍક્સેસ એક વર્ષથી વધુ સમય પહેલાં બંધ થઈ ગઈ હતી અને ચીનના સંબંધિત અધિકારીઓનો સંપર્ક પણ થઈ શક્યો નહોતો.
યુરોપમાં પણ LOGINKના પ્રયાસોને ખાસ સફળતા મળી નહીં. પોર્ટુગલના સાયનેસ બંદર સાથે 2017માં થયેલા કરારમાંથી કોઈ મોટું પરિણામ આવ્યું નહીં. નેધરલેન્ડ્સના રોટરડેમ પોર્ટની ડિજિટલ સિસ્ટમ સાથે 2019માં થયેલી સમજૂતી પણ આગળ વધી શકી નહીં.
ચીનમાં પણ કંપની સામે કાનૂની મુશ્કેલી
LOGINKની મુશ્કેલી માત્ર વિદેશમાં જ નહોતી. ચીનમાં પણ તેના પર કાનૂની કેસ થયા છે. Reutersના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરી 2024થી વેન્ઝોઉમાં LOGINKના ઓપરેશન સાથે જોડાયેલી કંપની સામે ઓછામાં ઓછા 39 કોર્ટ કેસ નોંધાયા છે, જેની કુલ રકમ લગભગ $1.3 મિલિયન એટલે કે આશરે ₹116 કરોડ થાય છે. આ કેસોમાં કેટલાક કર્મચારી વિવાદ સાથે જોડાયેલા છે, જ્યારે કેટલાકમાં બાકી બિલ અને યુટિલિટી પેમેન્ટ જેવા મુદ્દા છે. Reutersના પત્રકારોએ સપ્ટેમ્બરમાં વેન્ઝોઉમાં LOGINKના ઓપરેશન હબની મુલાકાત લીધી ત્યારે ઓફિસ લગભગ ખાલી જોવા મળી હતી. લાઈટો બંધ હતી અને કમ્પ્યુટરના કેબલ પણ કાઢી નાખવામાં આવ્યા હતા.
ભારત માટે પણ આ મુદ્દો કેમ મહત્વનો છે
વૈશ્વિક શિપિંગ ડેટા હવે માત્ર વેપારનો મુદ્દો નથી રહ્યો. દુનિયાભરના દેશો બંદરો, જહાજો અને સપ્લાય ચેઇન સાથે જોડાયેલા ડેટાને વ્યૂહાત્મક સંપત્તિ તરીકે જોઈ રહ્યા છે. ભારત પણ પોતાના બંદરો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને ડિજિટલ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારતના મુખ્ય બંદરોએ નાણાકીય વર્ષ 2025-26માં કુલ 915.17 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કર્યો હતો.
આ સ્થિતિમાં LOGINKની કહાની ભારત માટે પણ એક મહત્વનો સંકેત છે કે ભવિષ્યમાં વેપારની સાથે શિપિંગ અને લોજિસ્ટિક્સ ડેટાની સુરક્ષા પણ એટલી જ મહત્વની બનશે.
આ પણ વાંચો: Russia Ukraine War અટકાવવા ભારતની મોટી શાંતિ પહેલ, અમેરિકા અને તુર્કી કરતા પણ વધુ અસરકારક સાબિત થઈ રહ્યો છે પ્રસ્તાવ!