અમેરિકામાં કામ કરવા ઈચ્છતા વિદેશી નાગરિકો અને ત્યાંની કંપનીઓ માટે મહત્વના સમાચાર છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ નોન-ઇમિગ્રન્ટ વર્ક વિઝા માટે વપરાતા ફોર્મ I-129 માં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ નવા નિયમો 1 એપ્રિલ, 2026 થી સત્તાવાર રીતે અમલમાં આવશે, જેની સીધી અસર H-1B સહિતના લોકપ્રિય વિઝા પર પડશે.
નવા ફોર્મની અનિવાર્યતા અને સમયમર્યાદા
USCIS એ સ્પષ્ટ કર્યું છે કે 1 એપ્રિલ, 2026 થી માત્ર નવી આવૃત્તિ (02/27/26) જ સ્વીકારવામાં આવશે. જો કોઈ અરજદાર 31 માર્ચ, 2026 સુધીમાં જૂનું ફોર્મ સબમિટ કરશે તો તે સ્વીકાર્ય રહેશે, પરંતુ 1 એપ્રિલ અથવા ત્યારપછી મળેલી જૂની આવૃત્તિની અરજીઓ સીધી જ નકારી દેવામાં આવશે. આ ફેરફાર H-1B, L-1, O-1, અને P શ્રેણીના વિઝા મેળવનારાઓ માટે અત્યંત નિર્ણાયક છે.
શું બદલાયું છે? - પગાર અને શિક્ષણ પર ભાર
નવા ફોર્મ I-129 માં નાણાકીય વર્ષ 2027 ની H-1B કેપ સીઝન માટે નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે:
પગાર-આધારિત લોટરી: હવે વિઝાની પસંદગીમાં પગાર સ્તર (Level I થી Level IV) મુખ્ય ભૂમિકા ભજવશે. કંપનીઓએ કર્મચારીનો ચોક્કસ પગાર સ્તર અને તેની પસંદગીના કારણો આપવા પડશે.
શિક્ષણ અને અનુભવની વિગતો: નોકરીદાતાએ હવે પદ માટે જરૂરી લઘુત્તમ શિક્ષણ, અભ્યાસનો વિષય અને જરૂરી અનુભવની સચોટ માહિતી આપવી પડશે.
સુપરવાઇઝરી જવાબદારીઓ: શું જે-તે પદ પર કર્મચારીએ અન્યને સુપરવાઇઝ કરવાના રહેશે કે કેમ, તેની સ્પષ્ટતા પણ નવા ફોર્મમાં કરવાની રહેશે.
USCIS નો ઉદ્દેશ્ય
આ ફેરફારો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિઝા પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો અને છેતરપિંડી અટકાવવાનો છે. USCIS હવે સીધી રીતે એ તપાસશે કે શું કંપની કર્મચારીને તેના કૌશલ્ય અને પદ મુજબ યોગ્ય પગાર આપી રહી છે કે નહીં. લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) અને H-1B રજીસ્ટ્રેશન દરમિયાન આપવામાં આવેલી માહિતીમાં વિસંગતતા ન રહે તે માટે આ કડક પગલાં લેવાયા છે.
કંપનીઓ માટે સૂચના
યુએસ સ્થિત કંપનીઓએ હવે તેમના વિદેશી કર્મચારીઓની અરજીઓ તૈયાર કરતી વખતે વધુ સાવધ રહેવું પડશે. વિઝા અરજી રિજેક્ટ ન થાય તે માટે 1 એપ્રિલ પહેલાં જ નવા ફોર્મની આવૃત્તિ અને નિયમોને સમજી લેવા હિતાવહ છે.
આ પણ વાંચોઃ Nostradamus Prediction 2026: ઇરાન ઇઝરાયલ યુદ્ધ...શું સાચી પડી રહી છે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી ? જાણો હજુ શું શું થશે?