રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ડ્રોન ટેકનોલોજી સૌથી ઘાતક હથિયાર સાબિત થઈ છે. બંને દેશો એકબીજા પર આત્મઘાતી (કામિકાઝે) ડ્રોન વડે સતત હુમલા કરી રહ્યા છે. આ નાના પરંતુ અત્યંત વિનાશક ડ્રોનનો સામનો કરવા માટે રશિયાની પ્રખ્યાત હથિયાર નિર્માતા કંપની કલાશ્નિકોવ (Kalashnikov) એ એક મોટો સૈન્ય આવિષ્કાર કર્યો છે. રશિયાએ એક ખાસ પ્રકારનું નવું કારતૂસ (એમ્યુનિશન) અને નવી એકે રાઇફલ તકનીક વિકસાવી છે, જે આકાશમાં ઉડતા સૈન્ય ડ્રોનને પળવારમાં તોડી પાડવા માટે સક્ષમ છે.
12-ગેજ શૉટગન રાઉન્ડ અને કલાશ્નિકોવનો દાવો
સંરક્ષણ અહેવાલો અનુસાર, રશિયાએ પોતાની આ નવી સિસ્ટમમાં 12--ગેજ (12-Gauge) ના ખાસ કારતૂસનો ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે અત્યાર સુધી સેનાઓ ડ્રોનને તોડી પાડવા માટે મોંઘી એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ કે સિગ્નલ જામરનો ઉપયોગ કરતી હતી, જે ખૂબ જ ખર્ચાળ અને જટિલ પ્રક્રિયા હતી. પરંતુ કલાશ્નિકોવ ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલા આ નવા કારતૂસ ખૂબ જ ઓછા ખર્ચે સામાન્ય સૈનિકોને પણ ડ્રોનનો શિકાર કરવાની શક્તિ આપે છે. આ કારતૂસમાંથી નીકળતી બુલેટ્સ હવામાં ફેલાઈને નાના ડ્રોનના પાંખિયા (પ્રોપેલર્સ) અને સેન્સર્સને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખે છે.
