દુનિયાની ત્રણ મહાસત્તાઓ અમેરિકા, ચીન અને રશિયાના નેતાઓ એક જ ટેબલ પર બેસે તો વૈશ્વિક રાજકારણમાં મોટો ફેરફાર થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આગામી સપ્તાહે ચીનના શેનઝેનમાં બેઠક યોજાવાની શક્યતા છે. જોકે, આ બેઠકનો એજન્ડા અને વાતચીતનું સ્વરૂપ હજુ નક્કી થયું નથી. રોયટર્સના વિશ્લેષણ મુજબ, ત્રણેય નેતાઓના હેતુ અલગ-અલગ છે. ખાસ કરીને ચીન માટે આ બેઠક તકની સાથે રાજદ્વારી જોખમ પણ બની શકે છે. આથી જ તેની સરખામણી 1945ની યાલ્ટા પરિષદ સાથે થવા લાગી છે.

ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગના અલગ હેતુ

ટ્રમ્પ આ બેઠક દ્વારા વૈશ્વિક મંચ પર પોતાની રાજદ્વારી ક્ષમતા દર્શાવવા માગે છે. તેઓ અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે પરમાણુ હથિયારો ઘટાડવા અંગે વાતચીત શરૂ કરાવવા ઇચ્છે છે. આ ઉપરાંત ઈરાનના યુદ્ધનો મુદ્દો પણ ઉઠાવી શકે છે.

બીજી તરફ, પુતિન યુક્રેન યુદ્ધનો અંત રશિયાની શરતો મુજબ આવે તે માટે આ બેઠકને તક તરીકે જોઈ રહ્યા છે. રશિયા ઇચ્છે છે કે યુક્રેનનો મુદ્દો ત્રણેય નેતાઓની ચર્ચામાં સામેલ થાય.

પરંતુ શી જિનપિંગ માટે સ્થિતિ અલગ છે. ચીન પરમાણુ હથિયારો ઘટાડવાની ત્રિપક્ષીય ચર્ચામાં જોડાવા ઉત્સુક નથી. અમેરિકાના અને રશિયાના પરમાણુ શસ્ત્રાગારની સરખામણીમાં ચીન પાસે ઘણી ઓછી સંખ્યામાં પરમાણુ હથિયારો છે. અમેરિકા અને રશિયા પાસે 5,000થી વધુ પરમાણુ હથિયારો છે, જ્યારે ચીન પાસે આશરે 500 છે.

'નવી યાલ્ટા'ની ચર્ચા કેમ શરૂ થઈ?

1945માં બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં યાલ્ટા પરિષદ યોજાઈ હતી. તેમાં અમેરિકા, બ્રિટન અને સોવિયેત સંઘના નેતાઓએ યુદ્ધ પછીની વૈશ્વિક વ્યવસ્થા અને પ્રભાવક્ષેત્રો અંગે ચર્ચા કરી હતી. આ બેઠકને કારણે મહાસત્તાઓ નાના દેશોને સાથે લીધા વગર તેમના ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકે છે એવી છાપ ઊભી થઈ હતી. હવે ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગની સંભવિત બેઠકને પણ કેટલાક લોકો 'નવી યાલ્ટા' તરીકે જોઈ રહ્યા છે. ખાસ કરીને યુક્રેન અને તાઇવાન જેવા દેશોને ચિંતા છે કે મહાસત્તાઓ તેમની હાજરી વગર કોઈ સમજૂતી કરી શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અગાઉ કહ્યું હતું કે તેઓ આ બેઠકને પ્રભાવક્ષેત્રોની વહેંચણીમાં ફેરવવા માગતા નથી. રશિયાના રાષ્ટ્રવાદી વિચારકો જોકે આ બેઠકને મોસ્કો માટે મોટી રાજદ્વારી માન્યતા તરીકે જોઈ રહ્યા છે.

ચીન માટે યજમાન બનવું પણ પડકાર

ચીન અને રશિયા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં ઊર્જા અને લશ્કરી સહયોગ વધ્યો છે. તેમ છતાં બંને દેશો આ સંભવિત બેઠકને અલગ રીતે જોઈ રહ્યા છે. રશિયા યુક્રેનનો મુદ્દો ઉઠાવવા માગે છે, જ્યારે ચીન તેને બેઠકના એજન્ડામાં સામેલ કરવા ઉત્સુક નથી. ચીન માટે બીજી મુશ્કેલી એ છે કે તે પોતાને નાના દેશોના હિતોનું સમર્થન કરનારા દેશ તરીકે રજૂ કરે છે. આવી સ્થિતિમાં મહાસત્તાઓ વચ્ચેની ખાનગી સમજૂતીનું યજમાન બનવું તેની છબી માટે પડકાર બની શકે છે.

સમજૂતીની શક્યતા કેટલી?

અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ રોયટર્સને જણાવ્યું હતું કે પરમાણુ મુદ્દે આ બેઠકમાંથી કોઈ સમજૂતી થવાની અપેક્ષા નથી. તેમ છતાં અમેરિકા માને છે કે ચીને પણ આ મુદ્દે ચર્ચામાં ભાગ લેવો જોઈએ. 

ત્રણેય નેતાઓ વચ્ચે બેઠક યોજાય તો તે પોતે જ એક મોટી રાજદ્વારી ઘટના હશે. પરંતુ તેમના અલગ હેતુઓને જોતાં કોઈ મોટો વૈશ્વિક કરાર થવાની શક્યતા ઓછી હોવાનું વિશ્લેષણમાં જણાવાયું છે. આમ, આ બેઠકમાં કોણ કોની વાત માને છે તેના કરતાં પણ મહાસત્તાઓ વચ્ચેના મતભેદો કેવી રીતે સામે આવે છે તેના પર દુનિયાની નજર રહેશે.

આ પણ વાંચો: UNGA Death Penalty Resolution: યુએનમાં મૃત્યુદંડ પર રોક લગાવવાનો પ્રસ્તાવ પસાર, ભારતે કર્યો વિરોધ, જાણો શું છે મામલો?