ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાની ધમકી આપ્યાના બીજા જ દિવસે હુમલો કરવાની શક્યતા વ્યક્ત કરી. એક તરફ ટ્રમ્પ હુમલાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ તેમણે ઈરાન સાથે શાંતિ કરારની શક્યતાઓ પણ ખુલ્લી રાખી છે. ઈરાનના વિરોધ છતાં ટ્રમ્પનો દાવો છે કે અગાઉ કરતાં વધુ સારો શાંતિ કરાર થઈ શકે છે. તેમણે તેને ‘બ્યુટિફુલ ડીલ’ ગણાવ્યો છે.
ટ્રમ્પે હુમલાની શક્યતા વ્યક્ત કરી, શાંતિ કરારનો વિકલ્પ પણ ખુલ્લો
શનિવારે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી માટે મતદાન કર્યા બાદ ટ્રમ્પે ફ્લોરિડામાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઈરાન પર સૈન્ય કાર્યવાહી અને શાંતિ કરારની શક્યતાઓ અંગે પ્રતિક્રિયા આપી હતી. જોકે, તેમણે અંતિમ નિર્ણય શું હશે તે હજુ સ્પષ્ટ કર્યું નથી.
‘કદાચ આવતીકાલે હુમલો થઈ શકે’, ટ્રમ્પનું નિવેદન
ઈરાન પર હુમલા અંગે ટ્રમ્પે કહ્યું, “કદાચ આવતીકાલે, એવી શક્યતા છે કે હું આવું કરું. એ પણ શક્ય છે કે અમારી વચ્ચે સારો, મોટો અને ઉત્તમ કરાર થઈ જાય.” શુક્રવારે ફ્લોરિડામાં મધ્યસત્ર ચૂંટણીની રેલીને સંબોધતાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન શરૂ કરી શકે છે. ટ્રમ્પની આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ કરી શકે છે એવા અહેવાલો સામે આવી રહ્યા છે. બીજી તરફ, ઈરાન દ્વારા ખાડી વિસ્તારમાં દરિયાની અંદર આવેલી સંચાર કેબલોને નિશાન બનાવવાની વાત પણ સામે આવી રહી છે.
‘અમે વધુ એક નાનું એપિક ફ્યુરી અભિયાન ચલાવી શકીએ છીએ’
ટ્રમ્પે કહ્યું, “અમે વધુ એક નાનું ‘એપિક ફ્યુરી’ અભિયાન ચલાવી શકીએ છીએ.” ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં તેહરાન વિરુદ્ધ આઠ મહિના સુધી ચાલેલા સંઘર્ષમાં અમેરિકી સેનાની ભૂમિકાની પણ ભારે પ્રશંસા કરી હતી. ટ્રમ્પે અમેરિકી સેનાની કાર્યવાહીને શાનદાર ગણાવી હતી. તેમનું કહેવું છે કે અમેરિકી સેના અને નૌકાદળે ઉત્તમ કામગીરી કરી છે. ઈરાન પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે હવે તેની પાસે માત્ર રેકોર્ડ સ્તરની મોંઘવારી જ બચી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ કરારની શક્યતાઓ વચ્ચે ઈરાનના ઇરાદાઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન કરાર કરવા તો માગે છે, પરંતુ શું તે કરારનું પાલન કરશે?