10 ઓગસ્ટે વિશ્વ બાયોફ્યુઅલ દિવસ ઉજવાય છે. ક્રૂડ ઓઇલના સતત વધતા ભાવ, પર્યાવરણીય પ્રદૂષણ અને સપ્લાય ચેઇનમાં અવરોધો વચ્ચે છોડ તથા કાર્બનિક કચરામાંથી બનતા બાયોફ્યુઅલ પ્રત્યે વૈશ્વિક રસ ઝડપથી વધી રહ્યો છે. ભારત જેવા દેશોમાં E-20 પેટ્રોલ ફરજિયાત બનતાં આ ક્ષેત્રે ચર્ચાઓ તેજ થઈ છે. પરંપરાગત અશ્મિભૂત ઇંધણ પરનો આધાર ઘટાડવા માટે બાયોફ્યુઅલ એક સક્ષમ અને મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.
બાયોફ્યુઅલનો 'રાજા' કયો દેશ છે?
યુનાઇટેડ સ્ટેટ્સ: કુલ પ્રવાહી બાયોફ્યુઅલ ઉત્પાદનમાં અમેરિકા વિશ્વમાં પ્રથમ ક્રમે છે. અહીં મુખ્યત્વે મકાઈમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે, જેને ગેસોલિન સાથે મિશ્રિત કરવામાં આવે છે. આ ઉપરાંત બાયોડીઝલનું ઉત્પાદન પણ મોટા પાયે થાય છે.
બ્રાઝિલ: કુલ ઉત્પાદનમાં બીજા ક્રમે હોવા છતાં, બ્રાઝિલને બાયોફ્યુઅલ મોડેલનું સૌથી સફળ ઉદાહરણ મનાય છે. ૧૯૭૦ના તેલ સંકટ બાદ શેરડીમાંથી ઇથેનોલ બનાવવાની શરૂઆત કરનાર બ્રાઝિલમાં આજે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો મોટા પ્રમાણમાં ચાલે છે. અહીં શેરડીના રસ ઉપરાંત બગાસીમાંથી વીજળી પણ પેદા થાય છે.
ઇન્ડોનેશિયા: પામ તેલ આધારિત બાયોડીઝલ ઉત્પાદનમાં તે ત્રીજા સ્થાને છે. તેની 'B-35' નીતિ હેઠળ ડીઝલમાં ૩૫ ટકા સુધી બાયોડીઝલ ઉમેરવામાં આવે છે.
ચીન: ઇથેનોલ અને કચરામાંથી બનતા બાયોડીઝલ ક્ષેત્રે ચીન ચોથા ક્રમે છે.
ભારત: ભારત વિશ્વના ટોચના પાંચ ઉત્પાદકોમાં સામેલ છે. અહીં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ પર ભાર અપાઈ રહ્યો છે, જેમાં મકાઈ અને ભાંગેલા ચોખાનો ઉપયોગ થાય છે.

અર્થતંત્ર અને ખેડૂતો માટે ફાયદાકારક
બાયોફ્યુઅલ માત્ર ઉર્જા પૂરતું સીમિત નથી, પણ તે અર્થતંત્રને પણ મોટો વેગ આપે છે:
1. ખેડૂતોની આવક: શેરડી, મકાઈ અને તેલીબિયાંની માંગ વધવાથી કૃષિ ક્ષેત્રને નવું બજાર મળે છે.
2. રોજગારીનું સર્જન: પ્લાન્ટ્સ, પરિવહન અને તકનીકી ક્ષેત્રોમાં ગ્રામીણ સ્તરે રોજગાર વધે છે.
3. વિદેશી હૂંડિયામણની બચત: મોંઘી તેલ આયાત ઘટવાથી દેશોનું નાણાકીય ભારણ ઘટે છે.
4. ઉર્જા સુરક્ષા: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતી વખતે સ્થાનિક સ્તરે રાહત મળી રહે છે.

દુનિયા બાયોફ્યુઅલ તરફ કેમ વળી રહી છે?
આબોહવા પરિવર્તન અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે બાયોફ્યુઅલ અનિવાર્ય બન્યું છે. ખાસ કરીને ઉડ્ડયન, ભારે વાહનો અને દરિયાઈ પરિવહન જેવા ક્ષેત્રોમાં, જ્યાં ઇલેક્ટ્રિક બેટરીનો ઉપયોગ મુશ્કેલ છે, ત્યાં બાયોફ્યુઅલ મહત્વની ભૂમિકા ભજવે છે.
ભવિષ્યમાં બાયોફ્યુઅલ માત્ર શેરડી કે મકાઈ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ કૃષિ કચરો, સ્ટબલ, શેવાળ અને વપરાયેલા રસોઈ તેલમાંથી બનતી 'બીજી અને ત્રીજી પેઢી'ના બાયોફ્યુઅલ તરફ દુનિયા આગળ વધી રહી છે. આગામી સમયમાં ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન હાઇડ્રોજન સાથે મળીને બાયોફ્યુઅલ વૈશ્વિક ઉર્જાની જરૂરિયાતોને સંતુલિત કરશે.

આ પણ વાંચોઃ Donald Trumpનો દાવો: ઈરાનની આર્થિક સ્થિતિ કંગાળ, સૈનિકોને પગાર ચૂકવવાના પણ ફાંફા!