નવા વર્ષની ઉજવણી પહેલા તુર્કી સરકારે ઇસ્લામિક સ્ટેટ (ISIS) સામે સુરક્ષા પગલાં વધુ કડક બનાવ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ઉત્તર-પશ્ચિમ તુર્કીના યાલોવા પ્રાંતમાં સોમવારે પોલીસ અને ISISના આતંકીઓ વચ્ચે ભારે અથડામણ થઈ હતી. આ હિંસક અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ અને ISISના છ આતંકીઓના મોત થયા છે.

વિસ્તારમાં કડક સુરક્ષા, શાળાઓ બંધ અને પુરવઠો અટકાવ્યો

આતંકીઓ સામેના ઓપરેશનને મજબૂત બનાવવા માટે બર્સા પ્રાંતમાંથી વિશેષ દળોને બોલાવવામાં આવ્યા હતા. અથડામણ લાંબા સમય સુધી ચાલતા વિસ્તારના રસ્તાઓ સુધી ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચ શાળાઓને દિવસભર માટે બંધ રાખવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે અધિકારીઓએ વિસ્તારમાં કુદરતી ગેસ અને વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. સામાન્ય નાગરિકો અને વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેથી કોઈ જાનહાનિ ન થાય.

ISIS સામે તુર્કીની સતત કાર્યવાહી

ગયા અઠવાડિયે પણ તુર્કી પોલીસે એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડી ISIS સાથે સંકળાયેલા 115 શંકાસ્પદ આતંકીઓને ધરપકડમાં લીધા હતા. આ આતંકીઓ પર ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન હુમલાની યોજના બનાવવાનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું કે ISIS દ્વારા ખાસ કરીને તહેવારો દરમિયાન ગેર-મુસ્લિમોને નિશાન બનાવવાની અપીલ કરવામાં આવી હતી. આ કારણે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર છે.

2017ના નાઇટ ક્લબ હુમલાની કડવી યાદ

ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી 2017ના રોજ ઇસ્તાંબુલના એક નાઇટ ક્લબમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ISIS દ્વારા ગોળીબારી કરવામાં આવી હતી. આ ભયાનક હુમલામાં 39 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યારથી તુર્કી સરકાર ISIS સામે સતત અને કડક કાર્યવાહી કરી રહી છે.

  • Follow us on: