રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કાળા સમુદ્ર (Black Sea) વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની રહી છે. યુક્રેનના ચોર્નોમોર્સ્ક બંદર પર લાંગરેલા કાર્ગો જહાજ MV AMIR1 પર સવાર 13 ભારતીય ખલાસીઓ સહિત 15 ક્રૂ સભ્યોના જીવ પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ફોરવર્ડ સીમેન યુનિયન્સ ઓફ ઈન્ડિયા (FSUI) ના જણાવ્યા અનુસાર, સતત થઈ રહેલા ડ્રોન અને મિસાઈલ હુમલા વચ્ચે આ જહાજ યુદ્ધ ક્ષેત્રમાં ફસાઈ ગયું છે. યુનિયને કેન્દ્ર સરકાર, જહાજના માલિકો અને સંબંધિત સત્તાવાળાઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ભારતીય નાગરિકોને રેસ્ક્યૂ કરવા અપીલ કરી છે.

ધુમાડાનો વીડિયો અને સીધા હુમલાનો ડર

FSUI એ જહાજ પરથી રેકોર્ડ કરાયેલો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં બંદરની આસપાસ ગાઢ ધુમાડાના ગોટા નીકળતા જોઈ શકાય છે. યુનિયનના જણાવ્યા મુજબ, જહાજની આસપાસ સતત વિસ્ફોટો થઈ રહ્યા છે, જેના કારણે સવાર ક્રૂ સભ્યો ભારે ભયના ઓછાયા હેઠળ જીવવા મજબૂર બન્યા છે અને ગમે ત્યારે જહાજ પર સીધો હુમલો થવાની શક્યતા વધી ગઈ છે.

વેપારી જહાજો પર વધતા હુમલા

કાળા સમુદ્ર વિસ્તારમાં તાજેતરમાં વ્યાપારી જહાજો પર હુમલાઓની શ્રેણી વધી ગઈ છે: MV ઓમોર્ફી (MV Omorfi): એક દિવસ પહેલા જ ઓડેસા નજીક આ જહાજ પર થયેલા હુમલામાં 4 ભારતીયોમાંથી 1 ભારતીય નાવિકનું મોત થયું હતું. આ ઘટના બાદ ભારતે યુક્રેનિયન રાજદૂતને બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. ગયા અઠવાડિયે થયેલા હુમલામાં 4 ભારતીયોમાંથી 2 ને બચાવી લેવાયા હતા, જ્યારે 2 હજુ પણ ગુમ છે. MV ગોલ્ડન લીઓમાં આ મહિનાની શરૂઆતમાં થયેલા હુમલામાં 4 ભારતીયો સહિત 10 ક્રૂ સભ્યોના મોત થયા હતા, જેના પગલે ભારતે રશિયન કાર્યકારી રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા.

ભારત સરકારનું કડક વલણ અને ટ્રાવેલ એડવાઈઝરી

વિદેશ મંત્રાલયે વાણિજ્યિક જહાજો પર થતા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું છે કે નાગરિક વેપારી જહાજોને નિશાન બનાવવું એ દરિયાઈ સુરક્ષા અને વૈશ્વિક વેપાર માટે ગંભીર ખતરો છે. વધતા જોખમને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે સલાહકાર (Advisory) જારી કરી ભારતીય ખલાસીઓને કાળા સમુદ્ર વિસ્તારમાં જતા પહેલા સુરક્ષા પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવા ચેતવણી આપી છે.


આ પણ વાંચો : PoKમાં પાકિસ્તાનનું ખૂની એક્શન! અંધાધૂંધ ફાયરિંગથી 48 કલાકમાં 24 લોકોના મોત