સુરક્ષા એજન્સીઓએ જણાવ્યુ છે કે, આતંકવાદી સંગઠન પોતાની તાકાત વધારવા પ્રયાસ કરી રહ્યા છે.

નેટવર્ક સ્થાપવા ફરી પ્રયાસ

ઓપરેશન સિંદૂર બાદ, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોતાનું નેટવર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સંદર્ભમાં, લશ્કરના વડા હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદે તાજેતરમાં PoKના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ઓલ જમ્મુ એન્ડ કાશ્મીર મુસ્લિમ કોન્ફરન્સના પ્રમુખ સરદાર અતીક અહેમદ ખાન સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.

વાતાવરણને પ્રભાવિત કરવાના પ્રયાસ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકને કાશ્મીર મુદ્દા અને કહેવાતા સ્વતંત્રતા સંગ્રામ અંગે સ્થાનિક વાતાવરણને પ્રભાવિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. લશ્કર-એ-તૈયબા પીઓકેમાં મદરેસા અને તેના સહયોગી સંગઠનો દ્વારા ભરતી અને તેની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવામાં રોકાયેલા છે. આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે ઓપરેશન સિંદૂર દરમિયાન લશ્કર સાથે જોડાયેલા અનેક આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

હાફિઝ તલ્હા જાહેર કાર્યક્રમોમાં દેખાયો

પાકિસ્તાન સતત દાવો કરે છે કે, તેનો આ આતંકવાદી સંગઠનો સાથે કોઈ સંબંધ નથી. પરંતુ દર વખતે જ્યારે તે દુનિયા સમક્ષ ખુલ્લું પડે છે. ઘણા અગ્રણી પાકિસ્તાની રાજકીય નેતાઓ જાહેર કાર્યક્રમોમાં લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હાફિઝ તલ્હા સઈદ સાથે સ્ટેજ શેર કરતા જોવા મળ્યા છે. તલ્હા સઈદ 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને યુએન દ્વારા નિયુક્ત વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદનો પુત્ર છે.

આ પણ વાંચોઃ આર્મી ચીફ આસિમ મુનીર રિપોર્ટ આપવા ચીન પહોંચ્યા, જાણો શું છે માહોલ?