અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં H-1B વિઝા ધારકો અને નવી અરજીઓ માટે એક નવો સંકટ ઊભો થયો છે. ટેક્સાસના રિપબ્લિકન ગવર્નર ગ્રેગ એબોટે રાજ્યની તમામ એજન્સીઓ અને જાહેર યુનિવર્સિટીઓમાં નવી H-1B વિઝા અરજીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ મોરેટોરિયમ 31 મે, 2027 સુધી અમલમાં રહેશે.

ફેડરલ H-1B વિઝા કાર્યક્રમનો અનેક જગ્યાએ દુરુપયોગ

ગવર્નર એબોટના જણાવ્યા અનુસાર, ફેડરલ H-1B વિઝા કાર્યક્રમનો અનેક જગ્યાએ દુરુપયોગ થઈ રહ્યો છે, જેના કારણે અમેરિકન કામદારોની નોકરીઓ પર સીધી અસર પડી રહી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારને કરદાતાઓના પૈસાથી ચાલતી નોકરીઓમાં પ્રથમ પ્રાથમિકતા અમેરિકન નાગરિકોને આપવી જોઈએ.

શા માટે લેવાયો આ નિર્ણય?

ટેક્સાસની જાહેર શાળાઓ, યુનિવર્સિટીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં H-1B વિઝાના વધતા ઉપયોગની તપાસ બાદ આ નિર્ણય લેવાયો છે. તપાસમાં એવું સામે આવ્યું કે કેટલીક સંસ્થાઓએ લાયક અમેરિકન ઉમેદવારો હોવા છતાં H-1B વિઝા ધારકોને નોકરી પર રાખ્યા હતા. ગવર્નર એબોટનો આરોપ છે કે ઘણા નોકરીદાતાઓએ સ્થાનિક પ્રતિભાની યોગ્ય શોધ કરી નથી અને કેટલાક કિસ્સાઓમાં અમેરિકન કામદારોને ઓછા વેતન પર કામ કરતા વિદેશી કર્મચારીઓથી બદલી નાખવામાં આવ્યા છે.

H-1B વિઝા કેમ મહત્વપૂર્ણ છે?

H-1B વિઝા પ્રોગ્રામ અમેરિકન નોકરીદાતાઓને વિશિષ્ટ કુશળતા ધરાવતા વિદેશી વ્યાવસાયિકોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. સામાન્ય રીતે આ વિઝા માટે ઓછામાં ઓછી સ્નાતક ડિગ્રી જરૂરી હોય છે. ટેક્સાસમાં યુનિવર્સિટીઓ, તબીબી કેન્દ્રો અને કેટલાક સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ માટે આ વિઝા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીં પ્રોફેસર, સંશોધક, ડોક્ટર અને શિક્ષકો જેવા પદો માટે સ્થાનિક ઉમેદવારો મળવા મુશ્કેલ હોય છે. દર વર્ષે અમેરિકા 65,000 H-1B વિઝા જારી કરે છે, જ્યારે એડવાન્સ ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે વધારાના 20,000 વિઝા આપવામાં આવે છે.

નવા નિયમો શું કહે છે?

નવા આદેશ મુજબ, ગવર્નરની દેખરેખ હેઠળ આવતી કોઈપણ રાજ્ય એજન્સી અથવા જાહેર ઉચ્ચ શિક્ષણ સંસ્થા ટેક્સાસ વર્કફોર્સ કમિશનની લેખિત મંજૂરી વગર નવી H-1B વિઝા અરજી કરી શકશે નહીં. આ ઉપરાંત, તમામ સંબંધિત સંસ્થાઓએ માર્ચ 2026 સુધીમાં એક વિગતવાર અહેવાલ રજૂ કરવો ફરજિયાત રહેશે, જેમાં હાલના વિઝા ધારકો, તેમની ભૂમિકાઓ અને સ્થાનિક ભરતી માટે કરાયેલા પ્રયાસોની સંપૂર્ણ માહિતી આપવી પડશે.

આગળ શું અસર પડશે?

આ નિર્ણયથી ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ, સંશોધકો અને ભારતીય પ્રોફેશનલ્સ પર અસર થવાની શક્યતા છે, કારણ કે H-1B વિઝાનો સૌથી મોટો લાભાર્થી વર્ગ ભારતીયોનો છે. ટેક્સાસમાં આ પ્રતિબંધને લઈને શૈક્ષણિક અને તબીબી ક્ષેત્રોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ajit Pawar political profile : 9 વખત નાયબ મુખ્યમંત્રી બન્યા, જાણો તેમની રાજકીય સફર