હોંગકોંગના વાંગ ફુક કોર્ટ હાઉસિંગ એસ્ટેટમાં લાગેલી ભીષણ આગે 75 વર્ષમાં દેશની સૌથી મોટી જીવલેણ દુર્ઘટના સર્જી છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, અધિકારીઓએ આગના કાટમાળમાંથી વધુ 18 માનવ અવશેષો શોધી કાઢ્યા છે, જેના કારણે સત્તાવાર મૃત્યુઆંક વધીને 146 થયો છે. આ આગ બે દિવસ સુધી ચાલી હતી અને શુક્રવારે ફાયર ફાઇટરો દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી. આગમાં સાત રહેણાંક ટાવર્સ લપેટમાં આવી ગયા હતા. હોંગકોંગ પોલીસના કેઝ્યુઅલ્ટી યુનિટના વડા, શુક-યિન ત્સાંગે જણાવ્યું હતું કે, અન્ય 100 લોકો હજુ પણ લાપતા છે અને 79 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

સુરક્ષામાં ગંભીર ખામીઓ

પ્રાપ્ત વિગતો મુજબ, રહેવાસીઓએ અગાઉ પણ આગના જોખમો અને શંકાસ્પદ બાંધકામ પ્રથાઓ અંગે અધિકારીઓને વારંવાર ચેતવણી આપી હતી. અધિકારીઓનું કહેવું છે કે, છેલ્લા વર્ષથી ચાલી રહેલા નવીનીકરણ (Renovation) દરમિયાન ઉપયોગમાં લેવાયેલા વાંસના માળખા અને બારીઓને ઢાંકવા માટે વપરાયેલા જ્વલનશીલ ફોમ બોર્ડને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આ મુદ્દાને કારણે જાહેર જનતામાં મોટો રોષ જોવા મળી રહ્યો છે.

કાર્યવાહી અને રાહત

સ્થાનિક અધિકારીઓએ આ મામલે અત્યાર સુધીમાં ઠેકેદાર કંપની, પ્રેસ્ટીજ કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગ કંપનીના ત્રણ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 11 લોકોની ધરપકડ કરી છે. સુરક્ષા ઓડિટ માટે આ ઠેકેદારના 28 બિલ્ડિંગ પ્રોજેક્ટ્સનું કામ તાત્કાલિક સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ હાઇ-રાઇઝ બિલ્ડિંગ્સમાં રહેતા 4,600 લોકોમાંથી મોટા ભાગનાને ઇમરજન્સી શેલ્ટર્સ અથવા સિટી હોટેલોમાં રાખવામાં આવ્યા છે, અને લાંબા ગાળાના સમાધાન માટે કામ ચાલી રહ્યું છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રવિવારે 1,000 થી વધુ લોકો સ્થળ પર એકઠા થયા હતા અને ફૂલો મૂકીને શાંતિથી પ્રાર્થના કરી હતી.