ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન ભારે હિંસા ફાટી નીકળી છે. નોર્વે સ્થિત બિન-સરકારી સંસ્થા “ઈરાન હ્યુમન રાઈટ્સ” (IHR) અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 648 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં નવ સગીરોનો પણ સમાવેશ થાય છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. હજારો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે, પરંતુ ઈન્ટરનેટ બંધ હોવાથી ચોક્કસ આંકડા મળવા મુશ્કેલ બની રહ્યા છે. જેથી આ આંકડા પણ ચોક્કસ નથી.
માનવાધિકાર સમાચાર એજન્સીઓ પ્રમાણે
અમેરિકા સ્થિત માનવાધિકાર સમાચાર એજન્સીઓએ પણ આ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા મુજબ, ઈરાનમાં કાર્યરત અનેક કાર્યકરો અને સ્થાનિક સૂત્રો સાથે સંપર્ક કરીને આ માહિતી એકત્ર કરવામાં આવી છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે, જોકે વાસ્તવિક મૃત્યુઆંક વધુ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઇરાની સરકારના કડક પગલાં
પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ઈરાની સરકારે કડક પગલાં લીધા છે. દેશમાં વ્યાપક રીતે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને ફોન કોલ્સ પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સરકાર તરફથી મૃતકો કે ઘાયલો અંગે કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
IHRના કહેવા અનુસાર
IHRનું કહેવું છે કે જો હિંસા આ જ રીતે ચાલુ રહી તો મૃત્યુઆંક ભવિષ્યમાં 6,000 સુધી પહોંચી શકે છે. આ ચેતવણીને લઈને અનેક આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે અને વૈશ્વિક સમુદાયને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. તેહરાન સહિત અનેક શહેરોમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. AFP દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં તેહરાનના એક શબઘર બહાર ડઝનબંધ મૃતદેહો જોવા મળ્યા હતા. રસ્તાઓ પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે, છતાં વિરોધ પ્રદર્શનો ચાલુ છે.
આ પણ વાંચો : US સરકારે જારી કર્યું એલર્ટ, તમામ અમેરિકી નાગરિક તત્કાળ ઇરાન છોડે, ટ્રમ્પ બન્યા આક્રમક